વિક-કેટ નવા જીવનનો પ્રારંભ વિરુષ્કાના પડોશી બનીને કરશે

મુંબઈઃ નવ ડિસેમ્બરે કેટરિના અને વિક્કી કૌશલએ સાત ફેરા લીધા હતા, જે પછી હંમેશ માટે એકમેક થઈ ચૂક્યાં છે. રાજસ્થાનમાં બંનેનાં લગ્ન શાંતિથી સંપન્ન થયાં છે. તેમનાં લગ્નના ફોટો સોશિયલ મિડિયા પર છવાયેલા છે. વેડિંગ સેરેમની પછી આ કપલે ઇન્સ્ટાગ્રામ પર લગ્નના ફોટો શેર કર્યા છે. આ ફોટો પર અનુષ્કા શર્મા, આલિયા ભટ્ટ અને દીપિકા પાદુકોણ સહિત અનેક બોલીવૂડ હસ્તીઓએ કોમેન્ટ કરીને તેમને અભિનંદન આપ્યાં હતાં.

કેટરિના કૈફ અને વિક્કી હવે નવા જીવનનો પ્રારંભ અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીના પડોસી બનીને કરશે. મુંબઈના પોશ વિસ્તારમાં જુહુમાં વિરાટ અને અનુષ્કાના એક બિલ્ડિંગમાં બે ફ્લોર ખરીદેલા છે. આ બિલ્ડિંગમાં વિક્કીએ આઠમા માળે પાંચ વર્ષ માટે ભાડે અપાર્ટમેન્ટ લીધું છે. આ એપાર્ટમેન્ટના ભાડાની કિંમત આશરે રૂ. નવ લાખ જેટલી છે. એ એક સી-ફેસિંગ બિલ્ડિંગ છે, જેમાં લક્ઝરીની તમામ સુવિધાઓ છે. વિક્કી અને કેટરિનાનું નવું ઘર 5000 સ્કવેર ફૂટનું છે.

કેટરિના અને વિક્કીનાં શાહી લગ્નમાં ફિલ્મ જગતની મશહૂર હસ્તીઓ સામેલ થઈ હતી. કુલ 120 મહેમાન આ રોયલ લગ્નમાં સાક્ષી બન્યા છે. આ કપલે તેમના લગ્નના ફોટો ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા છે. તેમણે કેપ્શનમાં લખ્યું છે … અમારા દિલોમાં માત્ર પ્રેમ અને કૃતજ્ઞતા છે, જે અમને આ ક્ષણ સુધી લઈ આવી છે. તમારા સૌના પ્રેમ અને આશીર્વાદ સાથે અમે આ નવી યાત્રા એકસાથે શરૂ કરીએ છીએ.