મુંબઈઃ મુંબઈ હાઈકોર્ટે બોલીવુડ અભિનેતા નવાઝુદ્દીન સિદ્દીકી અને એમના ભૂતપૂર્વ પત્ની ઝૈનબ સિદ્દીકીનાં તરૂણ વયનાં બે સંતાનનાં ભવિષ્યને ખાતર દંપતી વચ્ચેનાં વિવાદોનો સુમેળપૂર્વક અંત લાવવાના પ્રયાસ રૂપે દંપતીને તથા એમનાં બંને સંતાનને પોતાની સમક્ષ હાજર થવાનું જણાવ્યું છે. ન્યાયમૂર્તિઓ – રેવતી મોહિતે ડેરે અને શર્મિલા દેશમુખની વિભાગીય બેન્ચે આ ચારેય જણને આવતી ત્રીજી એપ્રિલે હાજર થવા કહ્યું છે.
સિદ્દીકી દંપતીને 12 વર્ષની પુત્રી અને 7 વર્ષનો પુત્ર છે. આ બંને સંતાનને ક્યાં રાખ્યાં છે તે જણાવવાનો ઝૈનબને કોર્ટ આદેશ આપે એ માટે નવાઝુદ્દીને હેબિયસ કોર્પસ પીટિશન નોંધાવી છે. તેના પરની સુનાવણી કરતી વખતે બંને મહિલા જજે ઉપર મુજબ આદેશ આપ્યો હતો. એમણે કહ્યું છે કે નવાઝુદ્દીન, ઝૈનબ તથા એમનાં સંતાનોએ 3 એપ્રલે જજની ચેમ્બરમાં હાજર થવું, જે સુનાવણી બંધબારણે યોજવામાં આવશે.
નવાઝુદ્દીનનો દાવો છે કે એની પત્ની પોતાને જાણ કર્યા વગર બંને સંતાનને દુબઈથી ભારત લઈ આવી છે. એને કારણે સંતાનો શાળામાં હાજરી આપી શકતાં નથી પરિણામે એમનાં શિક્ષણને માઠી અસર પડી છે. બંને જજે સિદ્દીકીને કહ્યું છે, ‘અમને તમારા સંતાનો વિશે ચિંતા થાય છે… ચાલો, તમારી વચ્ચે કોઈક સુમેળભર્યું સમાધાન શોધી કાઢવાનો પ્રયાસ કરીએ.’