મુંબઈ – શનિવારે મુંબઈ-પુણે એક્સપ્રેસવે પર બોલીવૂડ અભિનેત્રી શબાના આઝમીને જેમાં ઈજા થઈ હતી એ કાર અકસ્માત બદલ પોલીસે શબાનાનાં ડ્રાઈવર સામે ફરિયાદ નોંધી છે. અકસ્માત જ્યાં થયો હતો એ મુંબઈ-પુણે એક્સપ્રેસવે પરના ખાલાપુર વિસ્તારની પોલીસે અમલેશ કામત નામના ડ્રાઈવર સામે બેફામપણે કાર હંકારવાનો ગુનો નોંધ્યો છે.
મુંબઈ-પુણે એક્સપ્રેસવે પર શબાનાની કાર એક ટ્રક સાથે પાછળથી અથડાઈ હતી.
ટ્રક ડ્રાઈવરે નોંધાવેલી ફરિયાદને પગલે પોલીસે અમલેશ કામત સામે એફઆઈઆર નોંધી છે.
ટ્રક ડ્રાઈવરે કહ્યું કે શબાના આઝમીના ડ્રાઈવરે બેફામપણે કાર હંકારી હતી અને આગળ જઈ રહેલી પોતાની ટ્રકને પાછળથી ટક્કર મારી હતી. ટ્રક ડ્રાઈવરે ખાલાપુર વિસ્તારમાં પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
શબાનાને માથા, ચહેરા અને હાથ પર માર લાગ્યો હતો. એમને પહેલાં નવી મુંબઈના પનવેલની એમજીએમ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં, પરંતુ એમનાં મગજમાં રક્તસ્રાવ બંધ ન થવાને કારણે એમને મુંબઈના અંધેરીની કોકિલાબેન અંબાણી હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવ્યાં હતાં. અંબાણી હોસ્પિટલમાં એમની સ્થિતિ હવે સુધારા પર છે, એમ હોસ્પિટલના એક્ઝિક્યૂટિવ ડાયરેક્ટર અને સીઈઓ ડો. સંતોષ શેટ્ટીએ એક નિવેદનમાં કહ્યું હતું.
અકસ્માતમાં શબાનાનાં ડ્રાઈવરને પણ ઈજા થઈ હતી. કારમાં એ વખતે શબાનાનાં પતિ જાવેદ અખ્તર પણ હતા, પરંતુ એમને કોઈ ઈજા થઈ નહોતી.
શબાનાને નડેલા અકસ્માતના સમાચાર સાંભળીને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ટ્વીટ કરીને એમની વ્યથા વ્યક્ત કરી હતી અને એમને જલદી સારું થઈ જાય એવી પોતે પ્રાર્થના કરે છે એમ પણ લખ્યું હતું.
The news of @AzmiShabana Ji’s injury in an accident is distressing. I pray for her quick recovery.
— Narendra Modi (@narendramodi) January 18, 2020