EDએ શિલ્પા શેટ્ટી, રાજ કુંદ્રાની રૂ. 98 કરોડની સંપત્તિ જપ્ત કરી

નવી દિલ્હીઃ બિટકોઇન પોન્ઝી સ્કીમ મામલામાં મુંબઈની બ્રાંચે PMLA એક્ટ હેઠળ ફિલ્મ અભિનેત્રી શિલ્પા શેટ્ટી અને તેના પતિ રાજ કુંદ્રાની રૂ. 97.79 કરોડની પ્રોપર્ટી જપ્ત કરી છે. આ જપ્ત કરવામાં આવેલી પ્રોપર્ટીમાં જુહુ સ્થિત એક બંગલો છે, જે શિલ્પા શેટ્ટીને નામે છે. એ સાથે પુણેમાં પણ એક બંગલો સામેલ છે. એ સિવાય રાજ કુંદ્રાને નામે કેટલાક શેર પણ EDએ જપ્ત કર્યા છે. EDએ મહારાષ્ટ્રમાં અલગ-અલગ FIRને આધાર બનાવીને PMLA હેઠળ તપાસ શરૂ કરી છે.

રાજ કુન્દ્રા પર આરોપ હતો કે મેસર્સ વેરિએબલ ટેક પ્રાઇવેટ લિમિટેડ, સ્વ.અમિત ભારદ્વાજ, અજય ભારદ્વાજ, વિવેક ભારદ્વાજ, સિમ્પી ભારદ્વાજ, મહેન્દ્ર ભારદ્વાજ અને અન્ય MLM એજન્ટોએ વર્ષ 2017માં આશરે રૂ. 6600 કરોડના બિટકોઈન મેળવ્યા હતા. આ તમામ બિટકોઇન ખોટાં વચનોને આધારે રોકાણકારો પાસેથી લેવામાં આવ્યા હતા.

રોકાણકારોને ખાતરી આપવામાં આવી હતી કે તેમને 10 ટકા વળતર આપવામાં આવશે. રાજ કુન્દ્રા પર એવો પણ આરોપ છે કે તેણે અંગત હિત માટે બિટકોઈન માઇનિંગનો ઉપયોગ કર્યો હતો, તે એક પ્રકારની પોન્ઝી સ્કીમ હતી. રાજ કુન્દ્રા આ કૌભાંડનો માસ્ટર માઇન્ડ હોવાનું કહેવાય છે. તેણે 285 બિટકોઈન મેળવ્યા હતા. અમિત ભારદ્વાજે રોકાણકારોને છેતરીને આ બિટકોઈન મેળવ્યા હતા અને યુક્રેનમાં બિટકોઈન માઈનિંગમાં રોકાણ કર્યું હતું.

રાજ કુંદ્રાની પાસે આ કૌભાંડમાં 285 બિટકોઇન આવ્યા હતા, જેની કિંમત રૂ. 150 કરોડથી વધુ હતી. EDએ આ મામલે ત્રણ આરોપીઓની ધરપકડ કરી હતી.