મુંબઈઃ બોલીવૂડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુને સંડોવતા મની લોન્ડરિંગના કેસમાં કેન્દ્રીય એજન્સી એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટ (ED) તપાસ કરી રહી છે. એને સુશાંતના બેન્ક એકાઉન્ટ્સ અને સુશાંતની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તિના બેન્ક એકાઉન્ટ વચ્ચે કોઈ પ્રકારના મોટા સોદા થયા હોવાનું ધ્યાનમાં આવ્યું નથી.
તે છતાં ED અધિકારીઓના ધ્યાનમાં રૂ. 15 કરોડનો એક સોદો આવ્યો છે જે વિશે સુશાંતના પિતા કે.કે. સિંહ રાજપૂતે ફરિયાદ નોંધાવી છે. હવે EDના અધિકારીઓ ચેક કરશે કે સુશાંતના ડેબિટ કાર્ડ, ઈન્ટરનેટ બેન્કિંગ, ક્રેડિટ કાર્ડ્સ તથા અન્ય નાણાકીય સોદાઓ સુશાંત ઉપરાંત બીજું કોણ કરતું હતું.
તપાસનીશ અધિકારીઓ એ પણ ચેક કરશે કે સુશાંતના એકાઉન્ટમાંથી પૈસા બીજા કયા એકાઉન્ટમાં ગયા હતા અને કયા હેતુથી ગયા હતા.
સુશાંતના બેન્ક એકાઉન્ટ મારફત કરાયેલા પેમેન્ટના તમામ માધ્યમોનો અભ્યાસ કરવા માટે અધિકારીઓએ તમામ બેન્કિંગ સોદાઓની વિગતો મગાવી છે.
એક સૂત્રનું કહેવું છે કે સુશાંતના એકાઉન્ટમાંથી જે 15 કરોડ રૂપિયા કાઢવામાં આવ્યા હતા એમાંના રૂ. 2 કરોડ 70 લાખની રકમ સુશાંતે કરવેરા પેટે ચૂકવી હતી.
સુશાંત અને રિયા એકબીજાનાં રિલેશનશિપમાં હતાં અને એકબીજા માટે પૈસા વાપરતાં હતાં, પરંતુ એકાઉન્ટમાં કોઈ મોટા સોદા નોંધાયા નથી.
ઈડી એજન્સીના અધિકારીઓ રિયા, એનાં ભાઈ શૌવિક ચક્રવર્તિના બેન્ક એકાઉન્ટની પણ ચકાસણી કરી રહ્યા છે. રિયા, શૌવિક અને સુશાંતે સાથે મળીને અમુક કંપનીઓની રચના કરી હતી. રિયા એમાંની વિવિડરેજ રિયાલ્ટિક્સની ડાયરેક્ટર હતી જ્યારે શૌવિક અને સુશાંત ફ્રન્ટ ઈન્ડિયા ફોર વર્લ્ડ ફાઉન્ડેશનમાં ડાયરેક્ટર હતા. આ ત્રણેય જણ કયા હેતુથી બિઝનેસ કરવા એકત્ર થયા એની પણ તપાસ કરવામાં આવી રહી છે.