જાણીતા દિગ્દર્શક-અભિનેતા નિશિકાંત કામતનું અવસાન

હૈદરાબાદઃ હિન્દી ફિલ્મ ‘દ્રશ્યમ’ (અજય દેવગન, તબ્બૂ અભિનીત), ‘મદારી’ (ઈરફાન ખાન અભિનીત) અને મરાઠી ફિલ્મ ‘લય ભારી’ (રિતેશ દેશમુખ અભિનીત)ના દિગ્દર્શક નિશિકાંત કામતનું આજે અહીંની હોસ્પિટલમાં નિધન થયું છે. એ 50 વર્ષના હતા. એમને લિવર સિરોસીસની બીમારી હતી. એમને કોરોના વાઈરસ ચેપ પણ લાગુ પડ્યો હતો.

કામતને હૈદરાબાદની એશિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ગેસ્ટ્રોએન્ટરોલોજી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી હતી.

કામતે કેટલીક હિન્દી અને મરાઠી ફિલ્મોમાં અભિનય પણ કર્યો હતો.

કામતે જોન અબ્રાહમ સાથે ‘ફોર્સ’ અને ‘રોકી હેન્ડસમ’ ફિલ્મો બનાવી હતી.

કામતનો જન્મ મહારાષ્ટ્રમાં થયો હતો. 2005માં એમણે મરાઠી ફિલ્મ ‘ડોંબિવલી ફાસ્ટ’ સાથે દિગ્દર્શન ક્ષેત્રમાં એન્ટ્રી કરી હતી. એમની પહેલી જ મરાઠી ફિલ્મને બેસ્ટ ફિચર ફિલ્મનો રાષ્ટ્રીય એવોર્ડ મળ્યો હતો.

કામતે 2015માં અજય દેવગન, તબ્બૂ તથા શ્રેયા સરનને ચમકાવતી ‘દ્રશ્યમ’ ફિલ્મ બનાવી હતી, જે સુપરહિટ બની હતી.

‘હાથ આને દે’ હિન્દી ફિલ્મમાં કામતે અભિનય કર્યો હતો અને એ સાથે જ એમણે બોલીવૂડમાં પદાર્પણ કર્યું હતું. તે ઉપરાંત એમણે ‘સતચ્યા આત ઘરાત’ (મરાઠી), ‘404 એરર નોટ ફાઉંડ’, ‘રોકી હેન્ડસમ’, ‘ફુગે’, ‘ડેડી’, ‘જૂલી-2’, ‘ભાવેશ જોશી ધ સુપરહિરો’ જેવી અનેક હિન્દી ફિલ્મોમાં પણ અભિનય કર્યો હતો. 2016માં આવેલી ‘રોકી હેન્ડસમ’માં એમણે વિલનનો રોલ કર્યો હતો. એમણે જ એ ફિલ્મ ડાયરેક્ટ કરી હતી.

કામત ‘દર-બ-દર’ હિન્દી ફિલ્મ બનાવવાની તૈયારીમાં હતા જેને 2022માં રિલીઝ કરવાનું નિર્ધારિત છે.

અજય દેવગન અને રિતેશ દેશમુખે ટ્વીટ દ્વારા કામતને અંજલિ આપી.

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]