મુંબઈ : બોલીવૂડ અભિનેત્રી દીપિકા પદુકોણે કોરોના વાઈરસના જાગતિક ઉપદ્રવને કારણે પેરિસમાં હાલ ચાલી રહેલા પેરિસ ફેશન વીક કાર્યક્રમમાં હાજરી આપવા જવાનું માંડી વાળ્યું છે.
પેરિસ ફેશન વીક કાર્યક્રમમાં હાજરી આપવાનું દીપિકાને લક્ઝરી ફેશન ગ્રુપ લૂઈ વિતોં (Louis Vuitton) તરફથી આમંત્રણ આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ 3 માર્ચ સુધી ચાલવાનો છે.
પરંતુ, કોરોના વાઈરસે જે રીતે દુનિયાના 60 જેટલા દેશોમાં ગભરાટ ફેલાવ્યો છે એને કારણે દીપિકાએ તેનો પ્રવાસ રદ કર્યો છે.
દીપિકાનાં સત્તાવાર પ્રવક્તાએ જાણકારી આપી છે કે દીપિકા પદુકોણ લૂઈ વિતોંના FW2020 શોમાં હાજરી આપવા માટે પેરિસ જવાની જ હતી, પરંતુ કોરોના વાઈરસનો ચેપ ફ્રાન્સમાં પણ ફેલાયો હોવાના સમાચાર આવતાં એણે તેનો પ્રવાસ રદ કર્યો છે.
દીપિકાની નવી ફિલ્મ આવી રહી છે “83”, જેમાં એ ભૂતપૂર્વ ક્રિકેટ કેપ્ટન કપિલ દેવના પત્ની રોમી દેવનો રોલ કરી રહી છે. દીપિકાનો પતિ રણવીર સિંહ આ ફિલ્મમાં કપિલ દેવ બન્યો છે.
દીપિકા આ ઉપરાંત હોલીવૂડની સુપરહિટ ફિલ્મ ‘ધ ઈન્ટર્ન’ની સત્તાવાર હિન્દી રીમેકમાં પણ ચમકવાની છે. એમાં તેની સાથે રિશી કપૂર હશે. ફિલ્મ 2021માં રિલીઝ થશે. હોલીવૂડ ફિલ્મમાં રોબર્ટ ડી નીરો અને એન હેથવેએ મુખ્ય ભૂમિકા ભજવી હતી.