દિલજીત દોસાંજે ફોટોશોપ કરીને ઈવાન્કા ટ્રમ્પ સાથે પોતાની તસવીરને જોડી

મુંબઈ : અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ એમના પરિવારજનો સાથે હાલ ભારતની મુલાકાતે આવ્યા હતા ત્યારે આગરાનો તાજમહલ જોવા પણ ગયા હતા. એ વખતે એમની પુત્રી ઈવાન્કાએ તાજમહલની સામે બેન્ચ પર બેસીને તસવીર પડાવી હતી. હવે ઘણા મશ્કરા લોકો ઈવાન્કાની તસવીર સાથે પોતાને કે બીજાઓને જોડીને સોશિયલ મિડિયા પર રમૂજ ફેલાવી રહ્યા છે.

હિન્દી ફિલ્મોના અભિનેતા અને પંજાબી ગાયક દિલજીત દોસાંજે પણ ફોટોશોપ પ્રોગ્રામમાં ટ્રિક કરીને પોતાને રમૂજી રીતે એમાં ફિટ કર્યો છે. એ તસવીરમાં પોતે ઈવાન્કાની બાજુમાં બેઠો હોય એવો પોઝ બનાવ્યો છે.

દિલજીતે પોતાની એ તસવીરને આજે ઈન્સ્ટાગ્રામ તથા અન્ય સોશિયલ મિડિયા પ્લેટફોર્મ્સ પર શેર કરી છે.

દિલજીતે તસવીરની કેપ્શનમાં લખ્યું છે: ‘હું અને ઈવાન્કા. તાજમહલ જોવા લઈ જવાની એણે મારી પાસે જીદ્દ પકડી હતી. એટલે હું એને લઈ ગયો હતો, બીજું હું શું કરી શકતો હતો.’

દિલજીતની આ તસવીરોને ફોટોશેરિંગ વેબસાઈટ ઈન્સ્ટાગ્રામ પર લાખોની સંખ્યામાં લાઈક્સ મળ્યા છે.

ગઈ 24 ફેબ્રુઆરીએ ડોનાલ્ડ ટ્રમ્પ એમના પત્ની મેલાનિયા ટ્રમ્પ, દીકરી ઈવાન્કા અને જમાઈ જેરેડ કુશનર સાથે તાજમહલની મુલાકાતે ગયા હતા.

દિલજીત ઉડતા પંજાબ (કરીના કપૂર-ખાન), ફિલ્લૌરી (અનુષ્કા શર્મા), સૂરમા (તાપસી પન્નૂ), વેલકમ ટુ ન્યૂયોર્ક (સોનાક્ષી સિન્હા), અર્જુન પટિયાલા (કૃતિ સેનન), ગુડ ન્યૂઝ (કિયારા અડવાની) જેવી હિન્દી ફિલ્મોમાં જોવા મળ્યો હતો.

આ છે, ઈવાન્કા ટ્રમ્પની તાજમહલ ખાતેની વાસ્તવિક તસવીરો, જેમાં એમની સાથે એમના પતિ જેરેડ કુશનર પણ છે.