શાહરૂખ કારકિર્દીના બીજા વિકલ્પ તરીકે ડિઝાઈનિંગ પસંદ કરી શકેઃ ગૌરી ખાન

મુંબઈ: શાહરૂખ ખાન બોલીવૂડનો સુપરસ્ટાર છે, પણ છેલ્લા એક વર્ષથી એની પાસે નવી કોઈ ફિલ્મ નથી. એની પત્ની ગૌરીએ મજાકમાં એને કારકિર્દીનો બીજો વિકલ્પ આપી દીધો છે. ગૌરીએ કહ્યું છે કે જો શાહરૂખ પાસે કામ કરવા માટે કોઈ ફિલ્મ ન હોય તો એ ડિઝાઈનિંગ પસંદ કરી શકે છે.

મુંબઈમાં એક કાર્યક્રમ દરમિયાન ગૌરીએ કહ્યું કે શાહરૂખની ડિઝાઈનિંગ સેન્સ જબરદસ્ત છે. હાલ એ કોઈ ફિલ્મમાં કામ નથી કરતા તો હું એમને બીજા વિકલ્પ તરીકે ડિઝાઈનિંગ ક્ષેત્રને પસંદ કરવા વિશે જણાવીશ.

ગૌરીની આ કમેન્ટ પછી શાહરૂખ પણ થોડો ચૂપ રહે, એણે જવાબ આપ્યો છે, આવું એટલા માટે કહેવામાં આવી રહ્યું છે કે મારી છેલ્લી અમુક ફિલ્મો ચાલી નથી.

ઉલ્લેખનીય છે કે, ગૌરી ખાન ઈન્ટીરિયર ડિઝાઈનર તરીકે જાણીતાં છે. ગૌરીએ હાલમાં જ મુંબઈમાં એમનાં ડિઝાઈનર સ્ટુડિયો ‘ધ ગૌરી ખાન સ્ટુડિયો’ ખાતે એક કાર્યક્રમનું આયોજન કર્યું હતું, જેમાં તેમણે દેશના અનેક જાણીતા ઈન્ટીરિયર ડિઝાઈનર્સ તથા આર્કિટેક્ટ્સને આમંત્રિત કર્યા હતા. શાહરૂખ પણ એ પ્રસંગે હાજર રહ્યો હતો.

ડિઝાઈનિંગ વિશે શાહરૂખનું જ્ઞાન કેવું છે? એવું પૂછતાં ગૌરીએ હળવા મૂડમાં કહ્યું કે, શાહરૂખને ડિઝાઈનિંગનું ઘણું જ જ્ઞાન છે. અમારા ઘરમાં ડિઝાઈનિંગની વાત નીકળે ત્યારે એ ઘણા સૂચનો કરતા હોય છે.

ફિલ્મોમાંથી શાહરૂખે હાલ લીધેલા વિશ્રામ વિશે ગૌરીએ મજાકમાં કહ્યું કે, હાલ શાહરૂખ કોઈ ફિલ્મમાં કામ કરતા નથી. હું એમને જણાવીશ કે તેઓ ફર્નિચરમાં ડિઝાઈનર તરીકે બીજો વિકલ્પ પસંદ કરી શકે છે, કારણ કે એ મહાન ડિઝાઈનર છે.

શાહરૂખ છેલ્લે ઝીરો ફિલ્મમાં જોવા મળ્યો હતો. એમાં તેની સાથે કેટરીના કૈફ અને અનુષ્કા શર્મા પણ મુખ્ય ભૂમિકામાં હતી. કહેવાય છે કે દિગ્દર્શક રાજકુમાર હિરાની એમની નવી ફિલ્મમાં કદાચ શાહરૂખને પસંદ કરશે.