નવી દિલ્હીઃ 2019માં હૈદરાબાદમાં સામુહિક બળાત્કાર ગુજાર્યા બાદ એની હત્યા કરવાના બનેલા કેસમાં પીડિત મહિલાની ઓળખ જાહેર કરવા બદલ દિલ્હીના એક એડવોકેટે 38 સેલિબ્રિટી વ્યક્તિઓની ધરપકડ કરવાની માગણી કરતો કેસ નોંધાવ્યો છે. આ સેલિબ્રિટીઓમાં બોલીવુડ કલાકારો સલમાન ખાન, અક્ષય કુમાર, અજય દેવગન, અનુપમ ખેર, ફરહાન અખ્તરનો પણ સમાવેશ થાય છે. ઈકોનોમિક ટાઈમ્સના અહેવાલ મુજબ, આ સેલિબ્રિટીઓએ બનાવ અંગે ટ્વીટ કરતી વખતે પીડિતાની ઓળખ જાહેર કરી હતી.
2019ની તે ઘટનામાં ભોગ બનેલી મહિલા એક ડોક્ટર હતી. ચાર શખ્સે એની પર બળાત્કાર ગૂજાર્યા બાદ એને જીવતી સળગાવી દીધી હતી. એ વખતે ઘણી જાણીતી હસ્તીઓએ તે બનાવને સોશિયલ મિડિયા પર વખોડી કાઢ્યો હતો. એમાંના કેટલાક લોકોએ મહિલાની ઓળખ જાહેર કરી હતી. આ યાદીમાં અભિનેત્રી રકુલપ્રીત સિંનો પણ સમાવેશ થાય છે. ગૌરવ ગુલાટી નામના એડવોકેટે ભારતીય ફોજદારી કાયદાની કલમ 228-એ અંતર્ગત દિલ્હીમાં સબ્ઝી મંડી પોલીસ સ્ટેશનમાં તેમજ તીસ હઝારી કોર્ટમાં સેલિબ્રિટીઓ સામે કેસ નોંધાવ્યો છે.
