‘રાવણ લીલા’નું ટીઝર રિલીઝ કરાયું; ટ્રેલર 9-સપ્ટેમ્બરે

મુંબઈઃ પ્રતીક ગાંધીને મુખ્ય ભૂમિકામાં ચમકાવતી હિન્દી ફિલ્મ ‘રાવણ લીલા’નું ટીઝર નિર્માતાઓએ રિલીઝ કર્યું છે. ટીઝરમાં પ્રતીક રાક્ષસોના રાજા રાવણ તરીકે પ્રભાવ પાડે છે. ફિલ્મનું ટ્રેલર આવતી 9 સપ્ટેમ્બરે રિલીઝ કરવામાં આવશે. ટીઝરને પ્રતીકે તેના સોશિયલ મિડિયા એકાઉન્ટ્સ પર શેર કર્યું છે. ટીઝરની શરૂઆતમાં કેટલાક બાળકોને દશેરાની પૂર્વસંધ્યાએ રાવણના પૂતળાની સામે ઊભેલા બતાવાયા છે. રાવણના ડ્રેસમાં સજ્જ થયેલો પ્રતીક સ્ટેજ પર આવે છે અને રાવણની ભૂમિકા ભજવે છે. સંવાદો બોલવાની તેની છટા પ્રભાવિત કરે છે. તે રાવણની મહાનતા વિશે બોલે છે.

હાર્દિક ગજ્જર દ્વારા દિગ્દર્શિત ‘રાવણ લીલા’ આવતી 1 ઓક્ટોબરે થિયેટરોમાં રિલીઝ કરાશે. ડો. જયંતિલાલ ગડા દ્વારા પ્રસ્તુત આ ફિલ્મનું નિર્માણ ધવલ જયંતિલાલ ગડા, અક્ષય જયંતિલાલ ગડા, પાર્થ ગજ્જર અને હાર્દિક ગજ્જરે બેક બેન્ચર પિક્ચર્સના સહયોગમાં કર્યું છે. મનોરંજક ફિલ્મમાં પ્રતીક રાજારામ જોશીની ભૂમિકા ભજવી રહ્યો છે. ફિલ્મમાં રાજેશ શર્મા, અંદ્રિતા રે, ફ્લોરા સૈની, અભિમન્યૂ સિંહની પણ મહત્ત્વની ભૂમિકા છે. પ્રતીક આ ઉપરાંત ‘ડેઢ બિઘા ઝમીન’ અને ‘અતિથિ ભૂતો ભવ’ ફિલ્મોમાં પણ જોવા મળશે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]