મુંબઈઃ માધુરી દીક્ષિત હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીની સદાબહાર અભિનેત્રીઓ પૈકીની એક છે. આજે પણ તેના લાખો દીવાનાઓ છે. માધુરી આજે પોતાનો 53મો જન્મદિવસ ઉજવી રહી છે. એના જન્મદિવસે માધુરી વિશેની કેટલીક ખાસ વાતો અને ફોટોગ્રાફ્સ…માધુરીનો જન્મ 15 મે 1967માં મુંબઈમાં એક મરાઠી પરિવારમાં થયો હતો. એને એક મોટી બહેન અને ભાઈ છે. માધુરી અવ્વલ દરજ્જાની અભિનેત્રી ઉપરાંત ભણવામાં પણ હોંશિયાર હતી. એણે માઈક્રોબાયોલોજીમાં અભ્યાસ કર્યો હતો.માધુરી ક્યારેય એક્ટ્રેસ બનવા નહોતી ઈચ્છતી પરંતુ નસીબ તેને આ ફિલ્ડમાં લઈ આવ્યું. માધુરી એકમાત્ર એવી એક્ટ્રેસ છે કે જેને ફિલ્મફેર એવોર્ડ્સમાં એક-બે વાર નહીં પરંતુ 14 વાર નોમિનેશન મળ્યું હતું અને એમાંથી તે 6 વાર બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ જીતી છે. માધુરી દીક્ષિતની નૃત્યકળાના સૌ દીવાના છે. માધુરી તાલીમબદ્ધ કથક ડાન્સર છે અને તે પોતાના દોરની એકમાત્ર એવી એક્ટ્રેસ હતી કે જેને પંડિત બિરજૂ મહારાજે નૃત્યકળામાં તાલીમ આપી હતી. બિરજૂ મહારાજે તેને ઈન્ડસ્ટ્રીની શ્રેષ્ઠ ડાન્સર પણ કહી છે. માત્ર ડાન્સ જ નહી પરંતુ માધુરીની સુંદરતાના પણ લાખો લોકો દીવાના છે. જાણીતા આર્ટિસ્ટ એમ.એફ. હુસેન પણ માધુરીના ચાહક હતા. તેમણે એની ફિલ્મ ‘હમ આપ કે હૈં કૌન’ 67 વાર જોઈ હતી. બાદમાં 2000માં તેમણે માધુરીનું એક પેઈન્ટિંગ પણ બનાવ્યું હતું. માધુરી દીક્ષિત પોતાના જમાનાની સૌથી વધારે ફી લેનારી એક્ટ્રેસ હતી. ‘હમ આપકે હેં કૌન’ ફિલ્મ માટે માધુરીએ સલમાનન કરતાં પણ વધારે ફી લીધી હતી. એ ફિલ્મ માટે તેણે 2.7 કરોડ રુપિયા ફી લીધી હોવાનું કહેવાય છે.
માધુરી દીક્ષિત ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પોતાની આગવી મેળવી શકી છે, પરંતુ તેનો શરુઆતનો સમય એટલો સરળ નહોતો. તેની પહેલી ફિલ્મ બોક્સ ઓફિસ પર ફ્લોપ થઈ હતી. એ પછી પણ 1984થી લઈને 1988 સુધી તેની 8 ફિલ્મો સતત ફ્લોપ રહી હતી.
માધુરી દીક્ષિતે પોતાની કેરિયરના પીક સમયમાં અમેરિકાસ્થિત ડોક્ટર શ્રીરામ નેને સાથે લગ્ન કર્યા હતા અને ફિલ્મોમાંથી બ્રેક લઈ લીધો હતો. દંપતીને બે પુત્ર છે.ડોક્ટર નેને સાથે લગ્ન પહેલા માધુરીનું નામ સંજય દત્ત સાથે જોડાયું હતું. સમાચારો તો એવા પણ આવ્યા હતા કે માધુરી અને સંજય એકબીજા સાથે લગ્ન કરવાના હતા. પરંતુ સંજયના જેલ ગયા બાદ બંન્નેનો સંબંધ તૂટી ગયો હતો.