આમિર ખાનના 25 વર્ષ જૂના સહાયકનું નિધન

મુંબઈઃ ગત મહિને બોલીવૂડે બે દિગ્ગજ અભિનેતા – ઈરફાન ખાન અને રિશી કપૂરને ગુમાવ્યા. તો હવે ઈન્ડસ્ટ્રી માટે અન્ય એક માઠા સમાચાર આવ્યા છે. એક્ટર આમિર ખાનના આસિસ્ટન્ટ અમોસનું નિધન થયું છે. અમોસ અને આમિર લાંબા સમય સુધી સાથે રહ્યા હતા, જેના કારણે આમિરને તેમના મૃત્યુનો ઘેરો શોક લાગ્યો છે. આટલું જ નહી પરંતુ આખી ઈન્ડસ્ટ્રીમાં તેમના નિધનના કારણે શોક વ્યાપ્ત છે. અમોસ છેલ્લા 25 વર્ષથી આમિર ખાનના આસિસ્ટન્ટ હતા. તેમની ઉંમર 60 વર્ષ હતી અને તેમની તબિયત અચાનક લથડી હતી. ખુદ આમિર અને એની પત્ની કિરણ રાવ અને તેમની ટીમ અમોસને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ ગઈ હતી.

પ્રાપ્ત વિગતો અનુસાર, અમોસના મૃત્યુ હાર્ટ એટેકને કારણે થયું હતું. 60 વર્ષીય અમોસને મુંબઈની હોલી ફેમિલી હોસ્પિટલમાં ભરતી કરાયા હતા અને ત્યાં જ તેમણે અંતિમ શ્વાસ લીધા હતા.

અમોસના નિધનની જાણકારી આમિર ખાનની સાથે ફિલ્મ ‘લગાન’માં કામ કરી ચૂકેલા કરીમ હાજીએ આપી હતી. તેમણે જણાવ્યું કે, અમોસ સવારે અચાનક પડી ગયા હતા અને બાદમાં આમિર, એની પત્ની અને એમની ટીમ તેમને હોસ્પિટલમાં લઈ ગયા હતા.

અમોસ તાજેતરમાં જ દાદા બન્યા હતા. એમના પરિવારમાં તેમની પત્ની અને બે દીકરા છે. કરીમ હાજીએ મીડિયાને વિગતો આપતા જણાવ્યું કે, અમોસે આમિર ખાન જેવા સુપરસ્ટાર સાથે કામ કર્યું તે છતાં તેઓ એકદમ સરળ વ્યક્તિત્વ ધરાવતા હતા. તેઓ ઉમદા, મહેનતુ અને ઉદાર વ્યક્તિ હતા.