અભિનેત્રી પાયલ ઘોષ મોહમ્મદ શામીને પરણવા તૈયાર છે, પણ એક શરતે…

મુંબઈઃ હાલ રમાતી આઈસીસી મેન્સ ODI વર્લ્ડ કપ-2023 સ્પર્ધામાં ફાસ્ટ બોલર મોહમ્મદ શામી કાતિલ ફાસ્ટ બોલિંગ કરીને ભારતીય ટીમની જીતમાં મોટું યોગદાન આપી રહ્યો છે. અત્યાર સુધીમાં એણે 4 મેચમાં 16 વિકેટ લીધી છે. બે મેચમાં એણે ‘પ્લેયર ઓફ ધ મેચ’નો એવોર્ડ પણ જીત્યો છે. આ સફળતા વચ્ચે એને બોલીવુડની એક અભિનેત્રી તરફથી લગ્નની ઓફર મળી છે.

અભિનેત્રીમાંથી નેતા બનેલી પાયલ ઘોષે કહ્યું છે કે પોતે શામીની બીજી પત્ની બનવા તૈયાર છે. એણે આ ઓફર પોતાનાં સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પોસ્ટ કરી છે. એમાં તેણે લખ્યું છે: ‘શામી તું તારું અંગ્રેજી સુધારી લે, હું તારી સાથે લગ્ન કરવા તૈયાર છું.’ પાયલ ઘોષ કોલકાતામાં જન્મેલી છે. તે ફિલ્મોમાં કામ કરવા માટે મુંબઈ આવી હતી. બોલીવુડમાં એ ખાસ જાણીતી થઈ નથી. 2020માં એ કેન્દ્રીય પ્રધાન રામદાસ આઠવલેના નેતૃત્વ હેઠળની રિપબ્લિકન પાર્ટી ઓફ ઈન્ડિયામાં જોડાઈ હતી અને હાલ પાર્ટીમાં મહિલાઓની પાંખની ઉપપ્રમુખ છે.

મોહમ્મદ શામીએ 2014માં હસીન જહાં સાથે લગ્ન કર્યા હતા. 2015માં એમને એક પુત્રી રત્ન પ્રાપ્ત થયું હતું. પરંતુ પતિ-પત્ની વચ્ચે વિખવાદ થતાં તેઓ અલગ થઈ ગયાં છે.