‘એક્સીડેન્ટલ પ્રાઈમ મિનિસ્ટર’ ફિલ્મ બતાવવાની કોંગ્રેસ પાર્ટીની માગણીને અનુપમ ખેરે નકારી કાઢી

મુંબઈ – ભૂતપૂર્વ વડા પ્રધાન મનમોહન સિંહના જીવન પર આધારિત અને બોલીવૂડ ચરિત્ર અભિનેતા અનુપમ ખેર અભિનીત ‘એક્સીડેન્ટલ પ્રાઈમ મિનિસ્ટર’ ફિલ્મ વિવાદમાં સપડાઈ છે. આ ફિલ્મ આવતા વર્ષની 11 જાન્યુઆરીએ રિલીઝ કરવાનું નિર્ધારિત છે. પરંતુ રિલીઝ કરતા પૂર્વે પોતાને બતાવવાની દેશના મુખ્ય વિરોધ પક્ષ કોંગ્રેસે માગણી કરી છે, પણ ખેરે તે નકારી કાઢી છે.

ખેરે કહ્યું છે કે પોતે આ ફિલ્મ મનમોહન સિંહને જ બતાવશે.

આ પોલિટીકલ ડ્રામાનું ટ્રેલર હાલમાં જ રિલીઝ કરવામાં આવ્યું છે.

ખેરે અહીં પત્રકાર પરિષદ બોલાવી હતી.

ફિલ્મ કોંગ્રેસ પાર્ટીને બતાવવાની મહારાષ્ટ્ર યુથ કોંગ્રેસ દ્વારા કરવામાં આવેલી માગણીને લીધે આ ફિલ્મ વિશે વિવાદ ઊભો થયો છે.

મહારાષ્ટ્ર યુથ કોંગ્રેસે એવી પણ માગણી કરી છે કે દેશના વડા પ્રધાન તરીકે ડો. મનમોહન સિંહની મુદત પર આધારિત આ ફિલ્મ રિલીઝ કરતા પૂર્વ પોતાને માટે એનો ખાસ શો રાખવો.

પત્રકારોએ જ્યારે આ વિશે સવાલ પૂછ્યો ત્યારે અનુપમ ખેરે કહ્યું કે અમારે શા માટે એમને ફિલ્મ બતાવવી જોઈએ? જો એમને બતાવવાની હોય તો સેન્સર બોર્ડો શું મતલબ છે?

અનુપમ ખેરે વધુમાં કહ્યું કે હું માત્ર આ ફિલ્મ રિલીઝ કરતા પૂર્વે માત્ર એક જ વ્યક્તિને બતાવીશ અને એ પણ જો એ મને કહેશે તો જ, અને તે છે ડો. મનમોહન સિંહ.

(દરમિયાન, શુક્રવારે મોડી રાતે સમાચાર આવ્યા હતા કે મહારાષ્ટ્ર યુથ કોંગ્રેસે ફિલ્મ બતાવવાનો આગ્રહ પડતો મૂકી દીધો છે. અનુપમ ખેરને જ્યારે આ વાતની જાણ થઈ ત્યારે એમણે કહ્યું કે ચાલો, સારું થયું એ લોકોમાં ડહાપણ આવ્યું ખરું).

ગુરુવારે આ ફિલ્મનું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું હતું અને ત્યારથી આ ફિલ્મ વિશે લોકોમાં ઉત્કંઠા જાગી છે.

ભારતીય જનતા પાર્ટીના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર તો એમ પણ જણાવ્યું છે કે આ ટ્રેલર જોઈને સાબિત થાય છે કે એક પરિવારે 10 વર્ષ સુધી દેશને કેવી રીતે બાનમાં રાખ્યો હતો.

અક્ષય ખન્ના (સંજય બારુના રોલમાં)

આ ફિલ્મ ‘એક્સીડેન્ટલ પ્રાઈમ મિનિસ્ટર’ નામે જ મનમોહન સિંહના મિડિયા સલાહકાર સંજય બારુએ લખેલા પુસ્તક પર આધારિત છે. તે પુસ્તક 2014માં બહાર પાડવામાં આવ્યું હતું.

ભારતીય રિઝર્વ બેન્કના ભૂતપૂર્વ ગવર્નર, અર્થશાસ્ત્રી અને રાજકીય નેતા મનમોહન સિંહે 2004થી 2014 સુધી કોંગ્રેસની આગેવાની હેઠળની યુનાઈટેડ પ્રોગ્રેસિવ અલાયન્સ (યુપીએ)ની સરકાર વખતે વડાપ્રધાન પદ સંભાળ્યું હતું.

ફિલ્મમાં સંજય બારુનું પાત્ર અક્ષય ખન્નાએ ભજવ્યું છે.

httpss://www.youtube.com/watch?v=q6a7YHDK-ik