વહીદા રેહમાનને ફાળકે એવોર્ડ ઘણો વહેલો મળવો જોઈતો હતો: અમિતાભ

મુંબઈઃ હિન્દી ફિલ્મોના મહાનાયક અમિતાભ બચ્ચને દંતકથાસમાન અભિનેત્રી વહીદા રેહમાનની મુક્તકંઠે પ્રશંસા કરી છે અને કહ્યું છે કે એમને દાદાસાહેબ ફાળકે એવોર્ડ ઘણો વહેલો આપવો જોઈતો હતો.

ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં નવી દિલ્હીમાં યોજાઈ ગયેલા 69મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર વિતરણ સમારોહમાં વહીદા રેહમાનને દાદાસાહેબ ફાળકે લાઈફટાઈમ અચીવમેન્ટ એવોર્ડ આપવામાં આવ્યો હતો. વહીદા ‘ગાઈડ’, ‘પ્યાસા’, ‘સાહિબ બીબી ઔર ગુલામ’, ‘દિલ્હી-6’, ‘કાગઝ કે ફૂલ’ સહિત અનેક ફિલ્મોમાં ભજવેલી ભૂમિકા માટે પ્રખ્યાત થયાં છે. એમની ફિલ્મી કારકિર્દી સાત દાયકા જેટલી લાંબી રહી છે.

અમિતાભ બચ્ચને એમના દ્વારા સંચાલિત જ્ઞાન-આધારિત રિયાલિટી શો ‘કૌન બનેગા કરોડપતિ’ના 54મા એપિસોડમાં સ્પર્ધકોને આમંત્રિત કર્યા હતા. રૂ. 80,000ની ઈનામી રકમવાળા સવાલમાં એમને બચ્ચન દ્વારા પૂછવામાં આવ્યું હતું: ‘’પ્યાસા’ અને ‘ગાઈડ’ જેવી ફિલ્મોની કઈ અભિનેત્રીને 2023માં ‘દાદાસાહેબ ફાળકે એવોર્ડ’ આપવામાં આવ્યો હતો?’ સ્પર્ધકોને એ માટે આ વિકલ્પો આપવામાં આવ્યા હતાઃ શર્મિલા ટાગોર, વહીદા રેહમાન, ઝીનત અમાન, સાયરાબાનુ.

સાચો જવાબ ‘વહીદા રેહમાન’ હતો.

તે વિશે અમિતાભ બચ્ચને કહ્યું હતું, ‘વહીદા રેહમાનને દેવ આનંદની જન્મશતાબ્દી દિવસની પૂર્વસંધ્યાએ દાદાસાહેબ ફાળકે એવોર્ડ આપવામાં આવ્યો હતો. દેવ આનંદના 100મા જન્મદિન નિમિત્તે વહીદાજીને આ એવોર્ડ આપવામાં આવ્યો હતો. તે એક સંયોગ હતો. વહીદાજી દ્રષ્ટાંતરૂપ કલાકાર છે. મારું માનવું છે કે એમને આ એવોર્ડ ઘણો વહેલો આપવાની જરૂર હતી. એ મારાં ફેવરિટ કલાકાર છે. હું એમનો મોટો પ્રશંસક છું. મને એમની સાથે કામ કરવાનું સદ્દભાગ્ય સાંપડ્યું છે. તે સરળ સ્વભાવનાં અને નેક દિલ મહિલા છે.’

અમિતાભ અને વહીદા રેહમાને ‘કભી કભી’, ‘અદાલત’, ‘ત્રિશુલ’, ‘નમક હરામ’ ફિલ્મોમાં સાથે કામ કર્યું હતું.