મુંબઈઃ ‘હિન્દી હવે ભારતની રાષ્ટ્રીય ભાષા રહી નથી’ એવા કન્નડ સુપરસ્ટાર કિચ્ચા સુદીપે ગઈ કાલે વ્યક્ત કરેલા એક મંતવ્યનો બોલીવુડ અભિનેતા અજય દેવગને ઉગ્ર પ્રતિસાદ આપ્યો છે. ‘રનવે 34’ ફિલ્મની રિલીઝ માટે સજ્જ થઈ રહેલા દેવગને સુદીપને જાહેરમાં જડબાતોડ જવાબ આપતા કહ્યું કે, ‘ભાઈ, તારા માનવા મુજબ હિન્દી જો હવે રાષ્ટ્રભાષા નથી રહી તો તમે તમારી ભાષાની ફિલ્મોને હિન્દીમાં ડબ કરીને શા માટે રિલીઝ કરો છો? હિન્દી આપણી માતૃભાષા અને રાષ્ટ્રભાષા હતી અને રહેશે. જન ગણ મન.’
એક ઈન્ટરવ્યૂમાં સુદીપે એમ કહ્યું હતું કે, ‘ભારતભરની (પેન ઈન્ડિયા) ફિલ્મો કન્નડ ભાષામાં ડબ કરવામાં આવી રહી છે એમ તમે કહો છો, પણ હું એમાં સુધારો કરવા માગું છું. હિન્દી હવે આપણી રાષ્ટ્રભાષા રહી નથી. હવે તો ભારતભરની ફિલ્મો બોલીવુડમાં બનાવવામાં આવી રહી છે. એ લોકો તામિલ અને તેલુગુ ફિલ્મોની રીમેક બનાવે છે, તે છતાં સંઘર્ષ કરી રહ્યા છે. અમે એવી ફિલ્મો બનાવીએ છીએ જે દુનિયાભરમાં લોકો જુએ છે.’
કિચ્ચા સુદીપ અને અજય દેવગનનું આ ટ્વીટ-યુદ્ધ બે ભાગમાં વહેંચાઈ ગયું છે. કેટલાક લોકો સુદીપને સમર્થન આપી રહ્યા છે તો કેટલાક દેવગનને. અજય દેવગનની ‘રનવે 34’ ફિલ્મમાં અમિતાભ બચ્ચન અને રકુલ પ્રીત સિંહની પણ મહત્ત્વની ભૂમિકા છે. આ ફિલ્મ 29 એપ્રિલે ઈદના દિવસે રિલીઝ કરાશે.