આમિરની નવી ફિલ્મ સ્પેનિશ ‘કેમ્પવન્સ’ની રિમેક હશે

મુંબઈઃ આમિર ખાને તેની આગામી ફિલ્મ વિશે અણસાર આપ્યો છે. તેની આગામી ફિલ્મ સ્પેનિશ સ્પોર્ટસ પર આધારિત હશે. આમિર ખાનની ‘લાલ સિંહ ચઢ્ઢા’ પછી આગામી ફિલ્મ માટે અનેક અહેવાલ વહેતા થયા છે. આમિરે એની આગામી ફિલ્મને અનુલક્ષીને ક્રિકેટ રમતો વિડિયો શેર કર્યો છે, જેથી એવું મનાઈ રહ્યું છે કે તેની આગામી ફિલ્મ સ્પોર્ટ્સ ડ્રામાને કેન્દ્રમાં રાખીને હશે. છેલ્લા અહેવાલો મુજબ આમિરે તેની આગામી સ્પોર્ટસ મુવી ફિલ્મ માટે ‘શુભ મંગલ સાવધાન’ના ડિરેક્ટર RS પ્રસન્નાનો સંપર્ક સાધ્યો છે. અહેવાલ મુજબ તેની આગામી ફિલ્મ સ્પેનિશ મુવી ‘કેમ્પવન્સ’ આધારિત હોવાની શક્યતા છે.    આમિર ખાનની નવી ફિલ્મ મૂળે સ્પેનિશ ફિલ્મ આધારિત હશે, જેમાં દારૂડિયા બાસ્કેટ બોલ કોચને ટીમને ચેમ્પિયન બનાવવા માટે ટીમને એકજૂટ રાખવાની જવાબદારી સોંપવામાં આવે છે. ‘કેમ્પવન્સ’ ફિલ્મ આ વર્ષે ઓસ્કર એવોર્ડ માટેની મોકલવામાં આવેલી ફિલ્મ હતી. આ ઉપરાંત આ ફિલ્મ 2018માં દેશની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની હતી.

જેવિયર ફેસર્સની 2018માં સ્પેનિશ કોમેડી-ડ્રામા ફિલ્મ ‘કેમ્પવન્સ’ (ચેમ્પિયન્સ) હતી, જેની વાર્તામાં બાસ્કેટબોલની ટીમ 1999થી 2014 દરમ્યાન 12 વખત સ્પેનિશ ચેમ્પિયનશિપ બની હતી- એના પર આધારિત હતી.

આમિર ખાનની આ નવી ફિલ્મનું શૂટિંગ આ વર્ષના અંતમાં શરૂ થાય એવી ધારણા છે. અહેવાલ મુજબ આ નવી સ્પોર્ટ્સ ડ્રામા ફિલ્મ આગામી વર્ષ 2023માં રિલીઝ થવાની શક્યતા છે. જો બધું સમુંસૂતરું રહ્યું તો 2022 અને 2023માં આમિરના ફેન્સને સતત આમિરને પડદે જોવાની તક મળશે. હાલ આમિરની ‘લાલ સિંહ ચઢ્ઢા’ની રિલીઝની રાહ જોવાઈ રહી છે.