રોહિતની જગ્યાએ બુમરાહ કે સૂર્યકુમાર કેપ્ટન બનશે?

મુંબઈઃ ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)ની હાલ રમાતી 15મી આવૃત્તિમાં મુંબઈ ઈન્ડિયન્સ ટીમનો દેખાવ અત્યંત કંગાળ રહ્યો છે. 10 ટીમોની આ સ્પર્ધામાં પોઈન્ટ્સ ટેબલમાં મુંબઈ ટીમ છેક છેલ્લે છે. રોહિત શર્મા માટે હાલ અત્યંત કપરો કાળ ચાલી રહ્યો છે. કેપ્ટન ઉપરાંત બેટિંગમાં પણ સદંતર નિષ્ફળ ગયો છે. સ્પર્ધાની અગાઉની આવૃત્તિઓમાં હતી એવી તેના સુકાનીપદની ચમક આ વખતે જરાય જોવા મળી નથી. પાંચ વખત આઈપીએલ ટ્રોફી જીતનાર મુંબઈ ટીમ આ વખતની સ્પર્ધામાં સતત આઠ મેચ હારી ગઈ છે અને એકેય જીતી નથી.

એવી અફવા ચાલી રહી છે કે આઈપીએલ-15ની સીઝનમાં અધવચ્ચે જ રોહિત શર્માને સુકાનીપદમાંથી પડતો મૂકવામાં આવશે. કદાચ નવા ખેલાડીને કેપ્ટન બનાવવાથી ટીમનું ભાગ્ય બદલાય એવું ઘણા માને છે. જોકે મુંબઈની ટીમ પ્લે-ઓફ્ફ તબક્કામાંથી આઉટ થઈ ગઈ છે. હાલના વાઈસ-કેપ્ટન અને ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહ, વિકેટકીપર ઈશાન કિશન કે મધ્યમ-ક્રમના બેટ્સમેન સૂર્યકુમાર યાદવન  કદાચ રોહિત શર્માની જગ્યાએ કેપ્ટન બનાવવામાં આવે. જોકે બુમરાહ આ સીઝનમાં ખાસ વિકેટ લઈ શક્યો નથી અને ઈશાન કિશન બેટિંગમાં ઝળક્યો નથી. બુમરાહે આઠ મેચોમાં માત્ર પાંચ વિકેટ જ લઈ શક્યો છે. સૂર્યકુમાર યાદવે આઠ મેચોમાં 47.80ની સરેરાશ સાથે 239 રન કર્યા છે.