શાહરુખે નવી નેમ પ્લેટ પર અધધધ નાણાં ખર્ચ્યાં, જાણો કિંમત…

નવી દિલ્હીઃ શેક્સપિયરે ભલે કહ્યું હોય કે નામમાં તો શું બળ્યું છે?, પણ નેમ પ્લેટમાં ઘણુંબધું છે. બોલીવૂડના સુપરસ્ટાર શાહરુખ ખાન આજકાલ તેના ઘર ‘મન્નત’ની નેમ પ્લેટને લઈને ચર્ચામાં છે. તેણે હાલમાં જ તેના ઘરની નેમ પ્લેટ ચેન્જ કરી છે અને સોશિયલ મિડિયા પર એ નવી નેમ પ્લેટના ફોટો વાઇરલ થઈ રહ્યા છે. એ નવી નેમ પ્લેટ એની કિંમતને લઈને ચર્ચામાં છે. શું તમે જાણો છો કિંગ ખાનના ઘરની નવી નેમ પ્લેટની કિંમત?

શાહરુખ ખાનની પત્ની ગૌરી ખાને એ નેમ પ્લેટને ડિઝાઇન કરી છે. ગૌરી ખાન મશહૂર ઇન્ટિરિયર ડિઝાઇનર છે અને આ નેમ પ્લેટને ડિઝાઇન કરતી વખતે તે પતિ શાહરુખની પસંદનો ખૂબ ખ્યાલ રાખે છે. જોકે શાહરુખ આ બધી બાબતોમાં માથું નથી મારતો, કેમ કે તેના ઘરની માલિકણ ગૌરી ખાન છે અને તે જાણે છે કે તે પરિવારને ખુશ રાખવા માટે આ બધું કરે છે, એમ તેની નજીકનાં સૂત્રોએ કહ્યું હતું. તે ઘણા સમયથી આ નેમ પ્લેટ ચેન્જ કરવાનું વિચારી રહી હતી અને અંતે તેણે એ કરી દીધી. મિડિયા અહેવાલો મુજબ ‘મન્નત’ની નવી નેમ પ્લેટ રૂ. 20થી 25 લાખમાં તૈયાર થઈ છે. વળી, ગૌરીએ ખાન પરિવારની પર્સનાલિટીને અનુરૂપ એની ડિઝાઇન તૈયાર કરી છે.

કિંગ ખાનના ઘરે બહાર જ્યારથી નવી નેમ પ્લેટ લાગી છે, ત્યારથી તેના ફેન્સ તેની નેમ પ્લેટ સાથે ફોટો ખેંચાવીને આનંદ વ્યક્ત કરી રહ્યા છે. આ નવી નેમ પ્લેટને લઈને તેના ફેન્સ ઘણા સારા પ્રતિભાવ આપી રહ્યા છે.