મુંબઈઃ જાનથી મારી નાખવાની અનેક ધમકીઓ મળ્યા બાદ બોલીવુડ અભિનેતા સલમાન ખાને એક બુલેટ પ્રૂફ એસયૂવી કાર ખરીદી છે, જેમાં બેસીને તે આજકાલ ઘૂમી રહ્યો છે. હજી અમુક મહિનાઓ પહેલાં જ એણે આત્મરક્ષણ માટે બંદૂક લાઈસન્સ પણ મેળવ્યું હતું.
સરકાર તરફથી સલમાનને વાઈ-પ્લસ સુરક્ષા કવચ પૂરું પાડવામાં આવે છે. તે છતાં સલમાન પોતાની સલામતીમાં કોઈ કચાશ રાખવા માગતો નથી અને એણે નિસ્સાન કંપનીની બુલેટ પ્રૂફ પેટ્રોલ એસયૂવી ખરીદી છે. આ કાર હજી બજારમાં લોન્ચ કરાઈ પણ નથી. ઉલ્લેખનીય છે કે, સલમાન અને એના સંવાદલેખક પિતા સલીમ ખાનને માફિયા ડોન લોરેન્સ બિશ્નોઈ અને એની ગેંગ તરફથી છેલ્લા અમુક મહિનાઓથી અનેક વાર ધમકી આપવામાં આવી છે.
સલમાનની નવી ફિલ્મ કિસી કા ભાઈ, કિસી કી જાન આ મહિને ઈદના તહેવારમાં રિલીઝ થવાની છે. ત્યારબાદ આ વર્ષના દિવાળી તહેવાર વખતે એની ટાઈગર-3 ફિલ્મ રિલીઝ થશે.
