અમેરિકામાં અફઘાન ક્રિકેટર રાશિદ ખાન મળ્યો રણબીર-આલિયાને

ન્યૂયોર્કઃ બોલીવુડ દંપતી આલિયા ભટ્ટ અને રણબીર કપૂર હાલ અમેરિકામાં વેકેશન માણવા ગયાં છે. ત્યાં એમની મુલાકાત થઈ હતી અફઘાનિસ્તાનના સ્ટાર ક્રિકેટર રાશિદ ખાન સાથે. રાશિદ હાલમાં જ એશિયા કપ સ્પર્ધામાં રમ્યો હતો અને તેની પસંદગી આવતા મહિનાથી ભારતમાં રમાનાર આઈસીસી મેન્સ ODI વર્લ્ડ કપમાં અફઘાનિસ્તાન ટીમમાં પણ કરવામાં આવી છે. રાશિદ આઈપીએલમાં પણ રમે છે. આલિયા-રણબીર સાથેની મુલાકાતની તસવીર રાશિદે પોતાના ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે. એ સાથેની કેપ્શનમાં એણે લખ્યું છે: બોલીવુડની સૌથી મોટી હસ્તીઓ સાથે… આપને મળીને બહુ જ આનંદ થયો રણબીર અને આલિયા.’

(તસવીર સૌજન્યઃ રાશિદ ખાન ઈન્સ્ટાગ્રામ)

આલિયા અને રણબીર હાલમાં જ યૂએસ ઓપન ટેનિસ સ્પર્ધામાં મહિલાઓની સિંગલ્સ ફાઈનલ જોવા માટે આર્થર એશ સ્ટેડિયમ ખાતે ગયાં હતાં. તે મેચમાં એમણે અમેરિકાની કોકો ગોફ અને બેલારુસની એરીના સબાલેન્કાનો ઉત્સાહ વધાર્યો હતો. આખરે 19 વર્ષીય કોકો ચેમ્પિયન બની હતી. આલિયાની નવી ફિલ્મ ‘રોકી ઔર રાની કી પ્રેમ કહાની’ હાલમાં જ રિલીઝ થઈ હતી. તે હવે ‘જી લે જરા’ ફિલ્મમાં જોવા મળશે. એમાં તેની સાથે કેટરીના કૈફ અને પ્રિયંકા ચોપરા-જોનસ પણ હશે. રણબીર કપૂરની નવી ફિલ્મ આવી રહી છે ‘એનિમલ’, જે આ વર્ષની 1 ડિસેમ્બરે રિલીઝ થશે. એમાં તેની સાથે બોબી દેઓલ અને રશ્મિકા મંદાના અને અનિલ કપૂર પણ મુખ્ય ભૂમિકાઓમાં છે.