મુંબઈઃ હિન્દી ઉપરાંત દક્ષિણ ભારતીય ભાષાઓમાં બનાવાતી ફિલ્મ ‘આદિપુરુષ’ના વીએફએક્સ (વિઝ્યુઅલ ઈફેક્ટ્સ) વિશે સોશ્યલ મીડિયા પર ખૂબ ટીકા કરાતાં નિર્માતાઓએ એમાં સુધારો કરવાનું નક્કી કર્યું છે. એની પાછળ તેઓ રૂ. 100 કરોડ ખર્ચવાના છે એવો અહેવાલ છે. ઓમ રાઉત દ્વારા દિગ્દર્શિત અને પ્રભાસ, કૃતિ સેનન અને સૈફ અલી ખાન દ્વારા અભિનીત ‘આદિપુરુષ’ની રિલીઝ તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો છે. પહેલાં આ ફિલ્મ 2023ની 12 જાન્યુઆરીએ રિલીઝ કરવાની જાહેરાત કરવામાં આવી હતી, પરંતુ હવે તેને 2023ની 16 જૂને રિલીઝ કરાશે. નિર્માતાઓનું કહેવું છે કે દર્શકોને વિઝ્યુઅલનો સંપૂર્ણ અનુભવ કરાવવા માટે ફિલ્મના વીએફએક્સમાં સુધારો કરવા માટે અમારે વધારે સમયની જરૂર છે.
કહેવાય છે કે ‘આદિપુરુષ’ ફિલ્મ રૂ. 450-500 કરોડના ખર્ચે બનાવવામાં આવી રહી છે. આને કારણે તે ભારતની અત્યાર સુધીની સૌથી મોંઘી ફિલ્મ બનશે. ટી-સીરિઝ અને રીટ્રોફાઈલ્સ દ્વારા નિર્મિત આ ફિલ્મ હિન્દુ ધર્મના આસ્થાગ્રંથ ‘રામાયણ’ પર આધારિત છે. ફિલ્મમાં પ્રભાસ બન્યો છે ભગવાન શ્રીરામ, કૃતિ બની છે સીતાજી જ્યારે સૈફ અલી ખાને રાવણનું પાત્ર ભજવ્યું છે.