મુંબઈ: ગઈ કાલથી ઈન્ટરનેટ પર એવા સમાચાર ફરી રહ્યા છે કે બોલીવુડ અભિનેતા અભિષેક બચ્ચન સમાજવાદી પાર્ટીની ટિકિટ પર ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ (અગાઉના અલાહાબાદ)માંથી ૨૦૨૪ની લોકસભા ચૂંટણી લડવાનો છે.
પરંતુ સમાજવાદી પાર્ટીએ આજે સ્પષ્ટતા કરી છે કે આ સમાચાર ખોટા છે. આ સંદર્ભે પાર્ટી તરફથી કોઈ ભલામણ કરવામાં આવી નથી.
અભિષેકના માતા અને પીઢ અભિનેત્રી જયા બચ્ચન હાલ સમાજવાદી પાર્ટીનાં રાજ્ય સભાનાં સદસ્ય છે. અભિષેકના પિતા અને પીઢ અભિનેતા અમિતાભ બચ્ચન ૧૯૮૪માં અલાહાબાદમાંથી કોંગ્રેસની ટિકિટ પર લોકસભાની ચૂંટણી લડ્યા હતા અને જીત્યા હતા. એમણે ઉત્તર પ્રદેશના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન હેમવતીનંદન બહુગુણાને પરાજય આપ્યો હતો. હાલ હેમવતીનંદનના પુત્રી રીટા જોશી આ બેઠક પર ભાજપનાં સંસદસભ્ય છે.