બોલીવુડમાં સૌથી વધુ ફ્લોપ ફિલ્મો આપનાર અભિનેતા કયો?

મુંબઈઃ દર્શકો, પ્રશંસકોને ફ્લોપ ફિલ્મ આપવાની કોઈ અભિનેતાની ઈચ્છા ન હોય. તે છતાં કોઈ એવો અભિનેતા નહીં હોય જેની કારકિર્દીમાં એની કોઈ ફિલ્મ ફ્લોપ ગઈ ન હોય. પછી એ મહાન શોમેન રાજકપૂર હોય, મહાનાયક અમિતાભ બચ્ચન હોય કે સુપરસ્ટાર શાહરૂખ ખાન હોય. તેઓ પણ ફ્લોપ ફિલ્મો આપી ચૂક્યા છે. પરંતુ હિન્દી ફિલ્મ ઉદ્યોગમાં ફ્લોપ ફિલ્મોની યાદીમાં પહેલા ક્રમે કયો અભિનેતા આવે છે? એ ગોવિંદા, અક્ષય કુમાર કે અજય દેવગન નથી. એનું નામ છે, મિથુન ચક્રવર્તી. એણે 180 ફ્લોપ ફિલ્મો આપી છે. તેનો ફેલ્યર રેટ 60 ટકા છે. એની 47 ફિલ્મો તો બોક્સ ઓફિસ પર સાવ પીટાઈ ગઈ હતી. 1993-1998ના વર્ષો દરમિયાન એની લગાતાર 33 ફિલ્મ ફ્લોપ ગઈ હતી. જોકે મિથુને કારકિર્દીમાં 50 હિટ ફિલ્મો પણ આપી છે.

ફ્લોપ ફિલ્મોની યાદીમાં મિથુન બાદ બીજા ક્રમે છે જિતેન્દ્ર. તેની 106 ફિલ્મ ફ્લોપ ગઈ હતી. બોલીવુડમાં, ફ્લોપ ફિલ્મોની સેન્ચુરી કરનાર માત્ર આ બે જ અભિનેતા છે.

ફ્લોપ ફિલ્મોની યાદીના અન્ય અભિનેતાઓ છેઃ રિશી કપૂર 76, ગોવિંદા 75, સંજય દત્ત 70, અમિતાભ બચ્ચન 68, વિનોદ ખન્ના 64, અક્ષય કુમાર 57, રાજેશ ખન્ના 55.