મુંબઈઃ જાણીતા સંગીતકાર સ્વ. આદેશ શ્રીવાસ્તવના જીવન પરથી સોહમ રોકસ્ટાર એન્ટરટેનમેન્ટ કંપનીના દીપક મુકુટ અને મિની ફિલ્મ્સનાં માનસી બાગ્લાએ હિન્દી ફિલ્મ બનાવવાનું નક્કી કર્યું છે. એમાં આદેશનો રોલ એમનો પુત્ર અવિતેશ શ્રીવાસ્તવ જ ભજવશે. બાયોપિક ફિલ્મમાં સંગીતકાર આદેશની સંગીતસફરને આવરી લેવામાં આવશે. ફિલ્મનાં વિઝન માટે અવિતેશે માનસી બાગ્લાની પ્રશંસા કરી છે. એણે કહ્યું, ‘માનસીમાં હું મારા પિતાને નિહાળું છું. માનસી મારે મન ગોડમધર જેવા છે. મારા પિતાની બાયોપિકમાં એમની સાથે મળીને કામ કરવા હું ખૂબ આતુર છું.’ તો માનસીએ કહ્યું છે કે, ‘મને ખાતરી છે કે અવિતેશ નવો સ્ટાર બનશે. એનામાં ટેલેન્ટ ભરપૂર છે. મને ખુશી છે કે હું આ સ્ટારને શોધી શકી અને હવે ટૂંક સમયમાં જ દુનિયા એને નિહાળશે.’
1990થી બોલીવુડમાં સંગીતકાર તરીકે કારકિર્દી શરૂ કરનાર આદેશ શ્રીવાસ્તવ કેન્સરની બીમારીને કારણે 2015માં અવસાન પામ્યા હતા. તેઓ એમના 51મા જન્મદિવસ પછીના દિવસે કોમામાં જ નિધન પામ્યા હતા. એ વખતે તેઓ એમની કારકિર્દીની ટોચે હતા. એમને સર્જેલા અનેક ગીતો લોકપ્રિય થયા છે, જેમ કે, ‘સૂરજ હુઆ મધ્યમ’ (કભી ખુશી કભી ગમ), ‘સુનો ના સુનો ના સુન લો ના’ (ચલતે ચલતે), ‘સે શાવા શાવા’ (કભી ખુશી કભી ગમ), ‘મોરા પિયા’ (રાજનીતિ), ‘હોરી ખેલે રઘુવીરા’ (બાગબાન), વગેરે.