મનોરંજનનો મહારથી રણવીર સિંહ થયો 35 વર્ષનો

મુંબઈઃ આજે રણવીર સિંહનો 35મો જન્મદિવસ છે. એન્ટરટેઈનમેન્ટ ઈન્ડસ્ટ્રીના આ સુપરસ્ટારે રૂપેરી પડદા પર અલગ અલગ પાત્રો ભજવીને લોકોની ખૂબ પ્રશંસા મેળવી છે. આ બર્થડે બોયે ‘બેંડ બાજા બારાત’ સાથે બોલીવૂડમાં ડેબ્યુ કર્યું હતું. એ ફિલ્મમાં અનુષ્કા શર્મા સાથે તેની કેમેસ્ટ્રી દર્શકોને ખૂબ ગમી હતી. પોતાની અત્યાર સુધીની કરિયરમાં રણવીર સિંહે વિવિધ ભૂમિકાઓ દ્વારા દર્શકોને ભરપૂર મનોરંજન પૂરું પાડ્યું છે.‘લૂટેરા’ ફિલ્મમાં પણ રણવીરના અભિનયની ખૂબ પ્રશંસા થઈ હતી. તો ગોલિયોં કી રાસલીલાઃ રામલીલા અને બાજીરાવ મસ્તાની તેમજ પદ્માવત જેવી ફિલ્મોમાં આ એક્ટરે જોરદાર એક્ટિંગ કરી હતી. આ સ્ટારની આવનારી હિન્દી ફિલ્મો વિશે થોડુંક જાણો.રણવીર સિંહ આગામી સ્પોર્ટ્સ-બાયોગ્રાફિકલ ડ્રામા ’83’માં ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન કપિલ દેવનો રોલ ભજવી રહ્યો છે. કબીરખાન દ્વારા દિગ્દર્શિત ’83’ ફિલ્મ 1983માં ઈંગ્લેન્ડની ધરતી પર કપિલ દેવની આગેવાની હેઠળ ભારતીય ટીમે હાંસલ કરેલા પ્રથમ વર્લ્ડ કપ વિજય પર આધારિત છે. આ ફિલ્મમાં રણવીરની રીયલ લાઈફ પત્ની દીપિકા પદુકોણે કપિલ દેવના પત્ની રોમી દેવની ભૂમિકા કરી છે. આ ફિલ્મ પહેલા 27 માર્ચના રોજ રિલીઝ થવાની હતી, પરંતુ હવે કોરોના મહામારીના કારણે એની રિલીઝ આ વર્ષના ક્રિસમસ તહેવાર સુધી લંબાય એવી સંભાવના છે.

રણવીર સિંહની કોમેડી ફિલ્મ આવી રહી છે, ‘જયેશભાઈ જોરદાર’. ગયા ફેબ્રુઆરીની શરુઆતમાં જ તેણે આ ફિલ્મનું શૂટિંગ પૂર્ણ કરી લીધું હતું. આ ફિલ્મમાં રણવીરનું પાત્ર જયેશભાઈ એક ગુજરાતી યુવક છે કે જે મહિલાઓની સુરક્ષા માટે કામ કરે છે અને તેમના સશક્તિકરણની દિશામાં કામ કરે છે. પોતાના પાત્ર વિશે વાત કરતા રણવીરે એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે જયેશભાઈ એક સંવેદનશીલ અને દયાળુ વ્યક્તિ છે. તે સમાજમાં પુરુષો અને મહિલાઓ વચ્ચે સમાન અધિકારોમાં માને છે. દિવ્યાંગ ઠાકર દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મ પહેલા 10 એપ્રિલ, 2020ના રોજ રિલીઝ કરવામાં આવનાર હતી પરંતુ હવે ક્યારે રિલીઝ કરાશે તે નક્કી નથી. રણવીર સિંહ પાસે નિર્માતા કરણ જોહરની મલ્ટી-સ્ટારર ફિલ્મ ‘તખ્ત’ પણ છે. આ ફિલ્મ મુગલ શાસક શાહજહાંના બે દીકરા – ઓરંગઝેબ અને દારા શિકોહ પર આધારિત છે. ફિલ્મમાં અનિલ કપૂર, કરીના કપૂર ખાન, રણવીર સિંહ, આલિયા ભટ્ટ, વિક્કી કૌશલ, ભૂમિ પેડણેકર અને જ્હાન્વી કપૂર છે. ‘તખ્ત’ને ક્રિસમસ 2021માં રિલીઝ કરવામાં આવે એવી ધારણા છે.સલમાન અને આમીર ખાનની ક્લાસિક કોમેડી ‘અંદાજ અપના અપના’ની સીક્વલમાં રણવીર સિંહ અને રણબીર કપૂર કરી રહ્યા હોવાનું કહેવાય છે. ‘અંદાજ અપના અપના 2’નું શૂટિંગ જલ્દી શરૂ કરવામાં આવે એવી શક્યતા નથી. એવા પણ અહેવાલો છે કે, 1988માં આવેલી અમિતાભ બચ્ચનની ‘શહેનશાહ’ ફિલ્મની રીમેક માટે રણવીર સિંહ સાથે સંપર્ક કરવામાં આવ્યો છે. ‘શહેનશાહ’ના નિર્માતા ટીનૂ આનંદ રીમેક બનાવવા વિચારે છે. એમણે એ વાતની પુષ્ટિ કરતા કહ્યું કે, હા હું શહેનશાહની રીમેક બનાવીશ. પરંતુ પહેલા કોરોના વાયરસને ખતમ થવા દો.