સુશાંતની આખરી ફિલ્મ ‘દિલ બેચારા’નું ટ્રેલર રિલીઝ કરાયું

મુંબઈઃ બોલીવૂડના દિવંગત યુવા અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની આખરી ફિલ્મ ‘દિલ બેચારા’નું ટ્રેલર આજે રિલીઝ કરવામાં આવ્યું છે. પ્યાર અને મોતની વચ્ચે સંઘર્ષ કરતી લવસ્ટોરીનું ટ્રેલર યૂટ્યૂબ પર જોરદાર રીતે ટ્રેન્ડ કરી રહ્યું છે અને ટ્રેલરના સહારે પ્રશંસકો સુશાંતને યાદ કરી રહ્યાં છે. ફિલ્મમાં બે કેન્સરપીડિત યુવાન હૈયાંની વાર્તા છે, જે એકબીજાનાં પ્રેમમાં પડે છે.

મુકેશ છાબરાના દિગ્દર્શનમાં બનેલી પહેલી જ ફિલ્મ ‘દિલ બેચારા’નું ટ્રેલર આજે OTT પ્લેટફોર્મ પર રિલીઝ કરવામાં આવ્યું છે. આની જાણકારી છાબરાએ જ એમના ટ્વિટર પર આપી હતી.

સુશાંતના ચાહકો આ ફિલ્મ વિશે બહુ ઉત્સૂક છે. ઘણાએ કહ્યું છે કે આ ફિલ્મને ડિજિટલ પ્લેટફોર્મ પર નહીં, પરંતુ મોટા પડદા ઉપર જ રિલીઝ કરવી જોઈએ.

નિર્માતાઓ ‘દિલ બેચારા’ને 24 જુલાઈએ ડિઝની પ્લસ હોટસ્ટાર પર રિલીઝ કરવાના છે.

આ ફિલ્મની હિરોઈન સંજના સાંઘી છે, જેની આ પહેલી જ ફિલ્મ છે. જોકે તે આ ફિલ્મ રિલીઝ થાય એ પહેલા જ મુંબઈ છોડીને એનાં દિલ્હી શહેર પાછી જતી રહી છે. તે આની જાણકારી કેટલાક દિવસો પહેલા જ સોશિયલ મિડિયા પર આપી ચૂકી છે.

ઉલ્લેખનીય છે કે 34 વર્ષીય સુશાંત સિંહ રાજપૂત હવે આ દુનિયામાં હયાત નથી. ગઈ 14 જૂને એ મુંબઈના બાન્દ્રા (વેસ્ટ) ઉપનગરમાં એના નિવાસસ્થાનમાં ગળાફાંસો ખાધેલી મૃત અવસ્થામાં મળી આવ્યો હતો. પોલીસનું માનવું છે કે એણે આત્મહત્યા કરી હતી. આ કેસમાં તપાસ હજી ચાલુ છે.

ટ્રેલરમાં સુશાંત બોલે છે, ‘હું તો ફાઈટર છું. આપણે ક્યારે જન્મીશું કે ક્યારે મરીશું એ નિર્ણય આપણે લેતા નથી, પરંતુ આપણે કેવી રીતે જીવવું એ આપણે નક્કી કરી શકીએ છીએ.’ ટ્રેલરમાં સુશાંત એકદમ આનંદિત પાત્ર ભજવતો દેખાય છે. ફિલ્મમાં બે યુવાન હૈયાં પ્રેમમાં પડે છે. વાર્તાની કરૂણતા એ છે કે હીરોને હાડકાનું કેન્સર ઓસ્ટિયોસાર્કોમા છે જ્યારે હીરોઈનને થાઈરોઈડનું કેન્સર છે.

‘દિલ બેચારા’માં સૈફ અલી ખાન વિશેષ ભૂમિકામાં છે.

દિલ બેચારા ફિલ્મ 2014માં આવેલી હોલીવૂડ રોમેન્ટિક ફિલ્મ ધ ફોલ્ટ ઈન અવર સ્ટાર્સની સત્તાવાર હિન્દી રીમેક છે, જે આ જ શિર્ષકવાળી જોન ગ્રીન દ્વારા લિખિત નવલકથા પર આધારિત હતી. આ એક એવી લવસ્ટોરી છે જેનો અંત કરૂણ છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]