ભણસાલીએ તો 4 ફિલ્મમાં સુશાંતને ચમકાવવાનું નક્કી કર્યું હતું: પોલીસ

મુંબઈઃ હિન્દી ફિલ્મોના યુવા, પ્રતિભાશાળી અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના અકાળે મોતે મોટો વિવાદ જગાવ્યો છે અને પોલીસ બોલીવૂડની અનેક હસ્તીઓને બોલાવીને પૂછપરછ કરી ચૂકી છે. એમાંના એક છે નિર્માતા-દિગ્દર્શક સંજય લીલા ભણસાલી.

પોલીસને સમન્સ મોકલાવ્યા બાદ ભણસાલી ગઈ કાલે બાન્દ્રા (વેસ્ટ) પોલીસ સ્ટેશનમાં હાજર થયા હતા. પોલીસોએ ત્રણ કલાકની પૂછપરછ દરમિયાન ભણસાલીને 30-35 સવાલો પૂછ્યા હતા અને એમનું નિવેદન રેકોર્ડ કર્યું હતું.

એવા આક્ષેપો કરવામાં આવ્યા છે કે સુશાંત સિંહ બોલીવૂડમાં સગાંવાદના દૂષણનો ભોગ બન્યો હતો. એને ફિલ્મોમાં લેવામાં આવતો નહોતો  તેથી એ ડિપ્રેશનમાં આવી ગયો હતો અને આત્મહત્યાનું અંતિમ પગલું ભરી બેઠો હતો.

ભણસાલીએ પોલીસને એમ કહ્યું હોવાનું મનાય છે કે પોતે સુશાંતને એમની 4 ફિલ્મોમાં લેવા માગતા હતા, પરંતુ તારીખોના અભાવે એ શક્ય બન્યું નહોતું.

ભણસાલીએ પોલીસને એમ પણ કહ્યું કે, યશરાજ ફિલ્મ્સ બેનરને કારણે સુશાંત ‘ગોલીયોં કી રાસલીલા – રામલીલા’ તથા ‘બાજીરાવ મસ્તાની’માં કામ કરી શક્યો નહોતો.

નાયબ પોલીસ કમિશનર (ઝોન-9)ના પોલીસ અધિકારી અભિષેક ત્રિમુખેએ કહ્યું કે ભણસાલી તો એમની ચાર ફિલ્મમાં સુશાંત સિંહને ચમકાવવા માગતા હતા, પણ સુશાંત તારીખો આપી ન શકતાં એ ફિલ્મો માટે અન્ય અભિનેતાઓને પસંદ કરવા પડ્યા હતા.

ત્રિમુખેએ કહ્યું કે સુશાંત બાન્દ્રા (વેસ્ટ)માં કાર્ટર રોડ પર જે હાઉસિંગ સોસાયટીમાં રહેતો હતો એના વિડિયો સર્વેલન્સ રેકોર્ડિંગ્સ પોલીસે તાબામાં લીધા છે. પરંતુ સુશાંતના ઘરની અંદર કોઈ વિડિયો સર્વેલન્સ સિસ્ટમ બેસાડવામાં આવી નહોતી. ફોરેન્સિક તપાસના અહેવાલો મળવાની પોલીસ રાહ જોઈ રહી છે.

સુશાંત સિંહ ગઈ 14 જૂને તેના નિવાસસ્થાનમાં મૃત અવસ્થામાં મળી આવ્યો હતો.