વીજળીના 1 લાખના બિલનો પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયોઃ અર્શદ વારસી

મુંબઈઃ બોલીવૂડ અભિનેતા અર્શદ વારસીને ગયા મહિને વીજળીનું બિલ અધધધ રકમનું આવતા એણે સોશિયલ મિડિયા પર ટીકા કરી હતી. એની ફરિયાદ પર ધ્યાન અપાતાં એણે સમાચાર ફરી શેર કર્યા છે કે એની સમસ્યા ઉકેલી દેવામાં આવી છે.

અર્શદે આજે સવારે એક ટ્વીટમાં લખ્યું હતું કે વીજળીના બિલ માટે પાંચ જુલાઈએ એના એકાઉન્ટમાંથી રૂ. 1,03,564 ડેબિટ થઈ ગયા હતા.

એણે બાદમાં તેના ચિત્રો વિશેના એક સમાચાર શેર કર્યા હતા અને એ ચિત્રો ખરીદવાની લોકોને અપીલ કરી હતી.

એણે ટ્વીટ કર્યું હતું કે, મહેરબાનો પ્લીઝ મારા પેઈન્ટિંગ્સ ખરીદો. મારે મારું અદાણી ઈલેક્ટ્રિક બિલ ચૂકવવા માટે પૈસાની જરૂર છે. કિડની મેં હવે પછીના બિલ માટે સાચવી રાખી છે.

તે પછી એક અન્ય ટ્વીટમાં એણે લખ્યું હતું કે આખરે દૂર સોનેરી પ્રકાશ દેખાયો છે. અદાણી ઈલેક્ટ્રિક મુંબઈ કંપની તરફથી ત્વરિત પ્રતિસાદ આવ્યો છે અને સમસ્યા ઉકેલાઈ ગઈ છે. માત્ર તમારે એમનો સંપર્ક કરવાનો હોય છે… આભાર.

મુંબઈમાં અદાણી ઈલેક્ટ્રિક કંપની તરફથી જૂન મહિનાનું અત્યંત ઊંચી રકમનું બિલ આવ્યાની ફરિયાદ કરનાર આ પહેલી બોલીવૂડ હસ્તી નથી. આ પહેલાં તાપસી પન્નૂ, રેણુકા શહાણે, હુમા કુરૈશી, નિમ્રત કૌર, સોહા અલી ખાન, અમીરા દસ્તુર, ડિનો મોરિયા, કામ્યા પંજાબીએ પણ સોશિયલ મિડિયા મારફત આ વિશે ફરિયાદ કરી હતી.

માત્ર બોલીવૂડની હસ્તીઓ જ નહીં, પરંતુ મુંબઈભરમાં અનેક સામાન્ય રહેવાસીઓએ પણ જૂન મહિનાનું તોતિંગ રકમનું બિલ આવ્યું હોવાની ફરિયાદ કરી છે. એક તરફ લોકડાઉનને કારણે આવકને જબ્બર ફટકો પડ્યો છે તેવામાં અદાણી કંપનીએ 3 થી 10 ગણી રકમનું વધારે પડતું બિલ ફટકારતાં લોકોમાં ચિંતા અને રોષની લાગણી ફેલાઈ છે.

વીજળીના ઊંચા બિલનો મામલો હાલ મુંબઈ હાઈકોર્ટમાં ગયો છે. એક વેપારીએ અદાણી ઈલેક્ટ્રિક, ટાટા પાવર તથા સરકારી એજન્સી વિરુદ્ધ જનહિતની અરજી કરી છે. એની પરની સુનાવણી 7 જુલાઈએ કરવાનું કોર્ટે નક્કી કર્યું છે.