મશહૂર કોરિયાગ્રાફર સરોજ ખાનનું 71 વર્ષની વયે નિધન

મુંબઈઃ બોલીવૂડનાં જાણીતાં કોરિયાગ્રાફર સરોજ ખાનનું ગુરુવારે મોડી રાત્રે હૃદયરોગના હુમલાને કારણે મુંબઈમાં નિધન થયું છે. શ્વાસ લેવાની તકલીફ ઊભી થતાં એમને ગઈ 17 જૂને મુંબઈના બાંદરા સ્થિત ગુરુ નાનક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં. ત્યાં ગઈ કાલે રાત્રે હૃદયરોગનો હુમલો આવતાં તેમનું નિધન થયું હતું. તેઓ 71 વર્ષનાં હતાં. કેટલાક દિવસો પહેલાં તેમનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો, જે નેગેટિવ આવ્યો હતો. સરોજ ખાને માધુરી દીક્ષિત અને શ્રીદેવી સહિત બોલીવૂડની અનેક અભિનેત્રીઓ માટે નૃત્ય દિગ્દર્શન કર્યું હતું.

2000થી વધુ ગીતોની કોરિયોગ્રાફી

ચાર દાયકાની લાંબી કારકિર્દીમાં સરોજ ખાને 2000થી વધુ ગીતોની કોરિયોગ્રાફી કરી હતી. એમને કોરિયોગ્રાફીની કળા માટે ત્રણ વાર રાષ્ટ્રીય એવોર્ડ મળ્યો હતો. સંજય લીલા ભણસાલીની ફિલ્મ ‘દેવદાસ’માં ‘ડોલા રે ડોલા’ની કોરિયોગ્રાફી માટે તેમને કોરિયોગ્રાફીનો રાષ્ટ્રીય એવોર્ડ આપવામાં આવ્યો હતો. સરોજ ખાને શીખવાડેલા ડાન્સને લીધે બોલીવૂડમાં અનેક અભિનેત્રીઓની કારકિર્દી બની ગઈ. 1983માં ‘હીરો’ ફિલ્મ સાથે સરોજ ખાને બોલીવૂડમાં કોરિયોગ્રાફી શરૂ કરી હતી, જ્યારે કોરિયોગ્રાફર તરીકે તેમની છેલ્લી ફિલ્મ ‘કલંક’ હતી, જે ગયા વર્ષે રિલીઝ થઈ હતી.

અનેક હસ્તીઓએ તેમને શ્રદ્ધાંજલિ આપી

મહારાષ્ટ્રના ગૃહપ્રધાન અનિલ દેશમુખ સહિત બોલીવૂડના અનેકક દિગ્ગજ કલાકારોએ તેમને ટ્વિટર દ્વારા શ્રદ્ધાંજલિ આપી હતી.

 

‘ગીતા મેરા નામ’થી કોરિયોગ્રાફર તરીકે કામ મળ્યું

સરોજ ખાનને માત્ર ત્રણ વર્ષની ઉંમરે બેકગ્રાઉન્ડ ડાન્સર તરીકે પોતાની કરિયર શરૂ કરી હતી. 1974માં ‘ગીતા મેરા નામ’ ફિલ્મ સાથે કોરિયોગ્રાફર તરીકે એમને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં બ્રેક મળ્યો હતો.

તેમણે સુપરહિટ ફિલ્મોનાં ગીતોને કોરિયોગ્રાફ કર્યાં

તેમની સુપરહિટ ફિલ્મોમાં ‘મિસ્ટર ઇન્ડિયા’, ‘ચાંદની’, ‘બેટા’, ‘તેજાબ’, ‘નગીના’, ‘ડર’, ‘બાઝિગર’, ‘અંજામ’, ‘મોહરા’, ‘યારાના’, ‘દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે’, ‘પરદેસ’, ‘દેવદાસ’, ‘લગાન’, ‘સોલ્જર’, ‘તાલ’, ‘ફિઝા’, ‘સાથિયા’, ‘સ્વદેશ’, ‘કુછ ના કહો’, ‘વીર ઝારા’, ‘નમસ્તે લંડન’, ‘જબ વી મેટ’, ‘એજન્ટ વિનોદ’, ‘રાઉડી રાઠોર’, ‘ABCD’, ‘તનુ વેડ્સ મનુ રિટર્ન્સ’, અને ‘મણિકર્ણિકા’ જેવી ફિલ્મોનાં ગીતોમાં તેમણે નૃત્ય દિગ્દર્શન સંભાળ્યું હતું.