રાજકોટ: ભારતના પ્રવાસે આવેલી ઇંગ્લેન્ડની ટીમની ભારત સાથેની ત્રીજો ટ્વેન્ટી 20 મેચ 28 જાન્યુઆરીએ રાજકોટના નિરંજન શાહ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાશે. રાજકોટમાં આ મેચને લઇને ક્રિકેટ ફીવર જોવા મળી રહ્યો છે.
રવિવારે ભારત અને ઇંગ્લેન્ડની ટીમ રાજકોટ આવી પહોંચ્યા બાદ આજે સવારે 10 વાગ્યા થી બંને ટીમે ક્રિકેટ સ્ટેડિયમ ખાતે નેટ પ્રેક્ટિસ કરી હતી. પહેલા ઇંગ્લેન્ડની ટીમે પ્રેક્ટિસ કરી હતી. બાદમાં ભારતીય ટીમે બેટિંગ પીચ ઉપર પ્રેક્ટિસ કરી હતી. ભારતીય ટીમના સૂર્યકુમાર યાદવની કેપ્ટનશિપ હેઠળ ટીમ ઇંગ્લેન્ડ સામે ટક્કર લેશે. આ ટીમના બેટિંગ કોચ તરીકે સૌરાષ્ટ્રની ટીમના પૂર્વ કેપ્ટન સિતાંશુ કોટકની BCCI એ નિમણુક કરી છે. રાજકોટમાં રવિવારે ટીમનું આગમન થયું ત્યારે હોટલ ઉપર ગરબાથી ખેલાડીઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું. સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિયેશનના પ્રમુખ જયદેવ શાહની આગેવાની હેઠળ ટીમ દ્વારા મેચ માટે તમામ વ્યવસ્થાઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. સૌરાષ્ટ્રભરમાંથી ક્રિકેટ રસિકો રાજકોટ આવી રહ્યા છે. તા. 28 મી એ સાંજે 7 વાગ્યે મેચનો આરંભ થશે.
(દેવેન્દ્ર જાની – રાજકોટ)
( તસવીરો – નીશુ કાચા )