કાઠમંડુઃ નેપાળમાં ગુરુવારે સામાન્ય ચૂંટણી માટે મતદાન શરૂ થયું છે. ગયા વર્ષે થયેલા જેન ઝી (Gen Z)ના વિરોધ પ્રદર્શન પછી વડા પ્રધાન કે.પી. શર્મા ઓલીની સરકાર પડી ગઈ હતી અને હવે દેશની જનતા પોતાની પસંદગી વ્યક્ત કરવા તૈયાર છે. આ ચૂંટણીમાં 1.89 કરોડથી વધુ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. નેપાળની 275 સભ્યોની પ્રતિનિધિ સભા માટે સીધી (પ્રત્યક્ષ) અને પ્રમાણાત્મક (પ્રોપોર્શનલ) બંને પ્રકારની મતદાન પદ્ધતિ અપનાવવામાં આવી છે.
પ્રત્યક્ષ મતદાન માટે 165 બેઠકો પર કુલ 3406 ઉમેદવારો મેદાનમાં છે. જ્યારે પ્રમાણાત્મક પદ્ધતિ હેઠળ 110 બેઠકો માટે 3135 ઉમેદવારો પોતાની કિસ્મત અજમાવી રહ્યા છે.મતદાન સવારે 7 વાગ્યે શરૂ થયું અને સાંજે 5 વાગ્યા સુધી ચાલુ રહેશે. મતદાન પૂર્ણ થયા પછી મતપેટીઓ તરત જ એકત્ર કરવામાં આવશે અને મતગણતરી શરૂ થશે. કાર્યકારી ચૂંટણી આયુક્ત રામ પ્રસાદ ભંડારીએ બુધવારે જણાવ્યું હતું કે ચૂંટણીની તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે અને મતદાતાઓને લોકશાહીમાં ઉત્સાહપૂર્વક ભાગ લેવા અપીલ કરી હતી.
મેદાનમાં ત્રણ મોટા પક્ષ
નેપાળના રાજકારણમાં સતત ફેરફારો થતા રહે છે. અહીં ત્રણ મોટા રાજકીય પક્ષ મુખ્ય ભૂમિકા ભજવે છે — પુષ્પ કમલ દહલ ‘પ્રચંડ’ની કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ નેપાળ (માઓવાદી કેન્દ્ર), કે.પી. શર્મા ઓલીની કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ નેપાળ (યુએમએલ) અને શેર બહાદુર દેઉબાની નેપાળી કોંગ્રેસ.
છેલ્લા લગભગ સવા ત્રણ દાયકાથી આ પક્ષોએ વારંવાર ગઠબંધન બદલ્યા છે અને પોતાનાં રાજકીય હિત મુજબ સમજૂતીઓ કરી છે. તેથી નેપાળમાં કોઈ પણ વડા પ્રધાન ક્યારેય સંપૂર્ણ પાંચ વર્ષનો કાર્યકાળ પૂર્ણ કરી શક્યો નથી. 2017માં યુએમએલ સૌથી મોટી પાર્ટી બની હતી, જ્યારે 2022માં નેપાળી કોંગ્રેસે આગવી સ્થિતિ મેળવી હતી. જુલાઈ, 2024 સુધી યુએમએલ અને નેપાળી કોંગ્રેસે મળીને ઓલીને વડા પ્રધાન બનાવી ગઠબંધન સરકાર ચલાવી હતી, પરંતુ ‘જેન ઝી’ વિરોધ પછી આ સરકાર પણ પડી ગઈ.
મતદારોમાં ચૂંટણીને લઈને ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને ઘણા લોકો પોતાના પરિવાર સાથે મતદાન કેન્દ્ર સુધી પહોંચ્યા છે. સ્થાનિક અહેવાલો મુજબ ચૂંટણી પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે ચાલી રહી છે અને સુરક્ષાના કડક બંદોબસ્ત કરવામાં આવ્યા છે. હવે નેપાળના લોકોની નજર ચૂંટણીનાં પરિણામો પર છે, કારણ કે આગામી દિવસોમાં નવી સરકાર અને નવા વડા પ્રધાનનો ચહેરો નક્કી થશે.


