નવી દિલ્હી: ઓલ ઈન્ડિયા તૃણમૂલ કોંગ્રેસ (TMC) સહિત અનેક રાજકીય પક્ષો માટે કામ કરતી કન્સલ્ટન્સી ફર્મ ઈન્ડિયન પોલિટિકલ એક્શન કમિટી (I-PAC) એ વર્ષ 2021થી 2022 દરમિયાન ગોવામાં “અપરાધથી કમાયેલા 20 કરોડ રૂપિયા”નો ઉપયોગ કર્યો હોવાનો આરોપ EDએ શુક્રવારે કલકાત્તા હાઇકોર્ટમાં દાખલ કરેલી એક રિટ અરજીમાં લગાવ્યો છે.
EDના જણાવ્યા મુજબ આ “અપરાધની આવક” પશ્ચિમ બંગાળમાં સંગઠિત સિન્ડિકેટ દ્વારા કરાયેલી ગેરકાયદે કોલસા ખનનમાંથી આવી હતી, જેના કથિત નેતા અનુપ માજી હતા. એજન્સીએ જણાવ્યું હતું કે આ રકમ કોલકાતાની ફર્મ આર. કાંતિલાલ તથા અન્ય અનેક હવાલા ઓપરેટરો મારફતે ફેરવવામાં આવી હતી અને ત્યારબાદ I-PAC તથા તેના નિર્દેશક પ્રતીક જૈન સુધી પહોંચી હતી, જેથી 2022માં ચૂંટણી ધરાવતા તટીય રાજ્ય ગોવામાં તેનો ઉપયોગ કરી શકાય. ગુરુવારે EDએ પ્રતીક જૈનના નિવાસસ્થાન તથા 2019થી પશ્ચિમ બંગાળની સત્તારૂઢ TMCને કન્સલ્ટન્સી સેવાઓ આપતી ફર્મના કાર્યાલય પર દરોડા પાડ્યા હતા.
દરોડાની ખબર બહાર આવતા જ પશ્ચિમ બંગાળનાં મુખ્ય મંત્રી મમતા બેનરજી કોલકાતામાં જૈનના ઘેર અને I-PACના ઓફિસે પહોંચી ગયાં. તેમણે આરોપ લગાવ્યો હતો કે ED આ વર્ષમાં થનારી રાજ્ય ચૂંટણી પહેલાં તેમની પાર્ટીની પ્રવૃત્તિઓ અને યોજનાઓ અંગે માહિતી એકત્ર કરવાનો પ્રયાસ કરી રહી છે. EDએ નિવેદન જાહેર કરીને આ આરોપોનો ઇનકાર કર્યો હતો. ED અને TMC બંનેની અરજીઓ શુક્રવારે હાઇકોર્ટમાં સૂચિબદ્ધ હતી, પરંતુ હોબાળાને કારણે સુનાવણી થઈ શકી નહોતી. હવે સુનાવણી 14 જાન્યુઆરી માટે નક્કી કરવામાં આવી છે.
I-PAC સામે EDના આરોપો
EDની તપાસની શરૂઆત CBIના તે કેસથી થઈ હતી, જે ઉદ્યોગપતિ અનુપ માજી અને ઈસ્ટર્ન કોલફીલ્ડ્સ (કોલ ઈન્ડિયાની સહાયક કંપની)ના અનેક અધિકારીઓ સામે દાખલ કરવામાં આવ્યો હતો. આ કેસમાં પશ્ચિમ બંગાળમાં લીઝ પર લેવાયેલા વિસ્તારોમાં ગેરકાયદે કોલસા ખનન અને ચોરીના આરોપો છે. EDના જણાવ્યા મુજબ આ કોલસા બાંકુરા, બર્ધમાન, પુરુલિયા અને રાજ્યના અન્ય જિલ્લાઓમાં આવેલી વિવિધ ફેક્ટરીઓ અને પ્લાંટ્સને વેચવામાં આવ્યા હતા.
EDએ જણાવ્યું હતું કે તપાસમાં ખુલાસો થયો છે કે કોલસા તસ્કરી સિન્ડિકેટ દ્વારા અંદાજે 25.51 લાખ મેટ્રિક ટન કોલસાનું ગેરકાયદે ખનન કરવામાં આવ્યું હતું, જેની કિંમત લગભગ 1114.35 કરોડ રૂપિયા થાય છે. એજન્સીએ આરોપ લગાવ્યો કે માજીના નેતૃત્વવાળા આ સિન્ડિકેટે ડિસેમ્બર 2017થી ઓક્ટોબર 2020 દરમિયાન 2742.32 કરોડ રૂપિયાની અપરાધિક આવકની કમાણી કરી હતી.


