ગાંધીનગર: ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી ગાંધીનગર (IITGN) ના 10 વિદ્યાર્થીઓએ એક સંપૂર્ણ કાર્યકારી સ્વાયત્ત વાહન વિકસાવ્યું છે જે ડ્રાઇવર વિના ચલાવી શકે છે.ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી ગાંધીનગર (IITGN) ના 10 વિદ્યાર્થીઓએ ઓટોનોમસ વ્હીકલ્સ કોર્સના ભાગરૂપે ઓટોમેટિક ડ્રાઇવરલેસ ગોલ્ફ કાર્ટ તૈયાર કર્યું છે. જાન્યુઆરી 2024 થી મે 2024 સુધીના એક સત્ર દરમિયાન, વિદ્યાર્થીઓએ આ ઇલેક્ટ્રીક ગોલ્ફ કાર્ટને એક અત્યાધુનિક ડ્રાઇવર વિનાના વાહનમાં પરિવર્તિત કર્યું છે. આ વ્હિકલ કેમ્પસ, હોસ્ટેલ અને એકેડેમિક એરિયાને ઓટોમેટીકલી નેવિગેટ કરવા માટે સક્ષમ છે. ઇન્સ્ટિટયૂટના કુલ 10 બીટેક વિદ્યાર્થીઓએ આ વ્હિકલ વિકસાવ્યું છે. જેમાં 9 વિદ્યાર્થીઓ મિકેનિકલ એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટના અને 1 વિદ્યાર્થી કેમિકલ એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટના છે. વ્હિકલની શરૂઆતની ટેસ્ટમાં સ્પીડ 7 કિલોમીટર પ્રતિ કલાક નોંધાઈ છે.
પ્રોફેસર હરીશ પી. એમ.એ આ વિશે વાત કરતા કહ્યું કે “વિદ્યાર્થીઓએ અસાધારણ કામ કર્યું છે. તેમણે ખુબ જ પડકારજનક કાર્ય પાર પાડ્યું છે. આ કાર્યમાં ઉચ્ચ-સ્તરની વિશ્વસનીયતા સાથે બહુવિધ આધુનિક ટેક્નોલોજીના રિયલ-વર્લ્ડના અમલીકરણની જરૂર પડે છે. ખુબ જ ઓછા સમયમાં વિદ્યાર્થીઓએ જટિલ કાર્યનું સફળ અમલીકરણ કર્યું છે. ઓટોનોમસ કારનું માર્કેટ ઝડપથી વધી રહ્યું છે. તે સમય દૂર નથી જ્યારે આપણે તેમને એરપોર્ટ, કેમ્પસ કે મોલ્સમાં ફરતી જોઈશું.”
પ્રોજેક્ટ સાથે સંકળાયેલી વિદ્યાર્થિની સાનિયા પટવર્ધને કહ્યું કે, “આ પ્રોજેક્ટ પર કામ કરવાનો અનુભવ અદ્ભુત હતો. આ એક લાંબો પ્રોજેક્ટ હતો જેમાં ઘણું સમર્પણ અને ઝીણવટભર્યું આયોજન જરૂરી હતું. પ્રોજેક્ટ દરમિયાન કેટલાક પડકારોનો સામનો કરવો પડ્યો હતો.”