ચેન્નઈઃ તામિલનાડુમાં 100 કરોડ રૂપિયાના કથિત છેતરપિંડી કેસને લઈને રાજકીય હલચલ તેજ બની છે. ચેન્નઈ ક્રાઇમ બ્રાન્ચ (CCB)એ બુધવારે સવારે DMK નેતા અને ભૂતપૂર્વ શાળા શિક્ષણ મંત્રી અનબિલ મહેશના તિરુચિરાપલ્લી સ્થિત ઘરે દરોડા પાડીને તપાસ હાથ ધરી હતી. હકીકતમાં, ખાનગી સ્કૂલોને સરકારી મંજૂરી અપાવવાને નામે કથિત રીતે પૈસા લેવાના કેસની તપાસના ભાગરૂપે આ કાર્યવાહી કરવામાં આવી છે.
CCB આ મામલે ખાનગી સ્કૂલોના સંચાલકો પાસેથી મોટી રકમ લેવામાં આવી હોવાના આરોપોની તપાસ કરી રહી છે. આરોપ છે કે સ્કૂલોને સરકારી મંજૂરી અને અન્ય જરૂરી ક્લિયરન્સ અપાવવાની ખાતરી આપીને પૈસા લેવામાં આવ્યા હતા. પોલીસના જણાવ્યાનુસાર અત્યાર સુધીમાં 100 કરોડ રૂપિયાથી વધુની રકમ એકત્ર કરવામાં આવી હોવાના આરોપો સામે આવ્યા છે. બુધવારે સવારે CCBની ટીમ અનબિલ મહેશના ઘરે પહોંચી ત્યારે તપાસ શરૂ કરવામાં આવી હતી. ત્યાર બાદ તેમના ઘરની બહાર DMK કાર્યકરો એકઠા થવા લાગ્યા હતા. સ્થાનિક સ્તરે સુરક્ષા વ્યવસ્થા પણ વધારી દેવામાં આવી હતી.
VIDEO | Tamil Nadu: Central Crime Branch sleuths on Wednesday conducted simultaneous searches at the residences and premises linked to former School Education Minister and DMK leader Anbil Mahesh Poyyamozhi in Chennai and Tiruchirappalli in connection with an alleged Rs 100-crore… pic.twitter.com/STS2n2j4KT
— Press Trust of India (@PTI_News) September 16, 2026
જૂનમાં DMK સાથે જોડાયેલા એક નેતાની ધરપકડ
આ મામલે CCBએ જૂનમાં DMK સાથે જોડાયેલા નેતા બીટી અરાસાકુમારની ધરપકડ કરી હતી. પોલીસનો આરોપ છે કે તેઓ ‘તામિલનાડુ પ્રાઇવેટ સ્કૂલ્સ એસોસિયેશન’ નામનું બિન-રજિસ્ટર્ડ સંગઠન ચલાવતા હતા. તેઓ સ્કૂલ સંચાલકોને સરકારી અધિકારીઓ અને રાજકીય સંપર્કો દ્વારા મંજૂરી અપાવવાની ખાતરી આપતા હતા.
આરોપો મુજબ ખાનગી સ્કૂલોને કાયમી માન્યતા અપાવવા, સ્કૂલનો ગ્રેડ વધારવા અને અલગ-અલગ સરકારી એજન્સીઓ પાસેથી જરૂરી મંજૂરી અપાવવાને નામે પૈસા લેવાની વાત કરવામાં આવતી હતી. પોલીસે આ જ મામલે અનેક સ્કૂલ સંચાલકો પાસેથી પૈસા લેવામાં આવ્યા હોવાની ફરિયાદોની તપાસ શરૂ કરી હતી. અહેવાલ મુજબ ડિસેમ્બર, 2024માં ‘તામિલનાડુ પ્રાઇવેટ સ્કૂલ્સ એસોસિએશન’ના લોન્ચ કાર્યક્રમમાં તે સમયના શાળા શિક્ષણ મંત્રી અનબિલ મહેશ અને શિક્ષણ વિભાગના વરિષ્ઠ અધિકારીઓ પણ હાજર રહ્યા હતા. ત્યાર બાદ મામલાની તપાસ આગળ વધી અને ખાનગી સ્કૂલ સંચાલકો તરફથી મોટી સંખ્યામાં ફરિયાદો સામે આવી હોવાની વાત કહેવામાં આવી હતી.

સ્ટાલિન બોલ્યા, રાજકીય બદલો લેવાની કાર્યવાહી
DMK અધ્યક્ષ એમ.કે. સ્ટાલિને આ કાર્યવાહી અંગે સરકાર પર નિશાન સાધ્યું છે. તેમણે સોશિયલ મિડિયા પર કરેલી પોસ્ટમાં આરોપ લગાવ્યો કે અનબિલ મહેશ વિરુદ્ધ કરવામાં આવેલી આ કાર્યવાહી રાજકીય બદલો લેવાની ભાવનાથી કરવામાં આવી છે. સ્ટાલિને તેને લોકોનું ધ્યાન અન્ય મુદ્દાઓ પરથી હટાવવાનો પ્રયાસ ગણાવ્યો.




