અમેરિકા: દુબઈથી તેલ અવીવ જઈ રહેલી ફ્લાયદુબઈ (Flydubai)ની ફ્લાઈટમાં કોકપિટની અંદર કેપ્ટન સ્મિત મચ્છર પર હુમલો કરનાર ઓમાની કો-પાઈલટ હમામ અલ-હમ્મામીને લઈને અમેરિકાના વાઈસ પ્રેસિડેન્ટ જેડી વેન્સે (JD Vance) મોટું નિવેદન આપ્યું છે. વેન્સે જણાવ્યું છે કે આ કો-પાઈલટ પહેલેથી જ “શંકાસ્પદ અને સમસ્યાજનક” તરીકે ઓળખાયેલો હતો અને તેને વિમાન ઉડાડવાની મંજૂરી જ ન મળવી જોઈતી હતી.
અહેવાલો અનુસાર, ઓમાનની સત્તાવાળાઓએ હમામ અલ-હમ્મામીની કટ્ટરપંથી પ્રવૃત્તિઓને ધ્યાનમાં રાખીને અગાઉ ફ્લાઈંગ ડ્યુટી પરથી હટાવી દીધો હતો અને તેને ડી-રેડિકલાઈઝેશન પ્રોગ્રામમાં મોકલ્યો હતો. જોકે, ઓમાને આ અંગેની જાણકારી અન્ય એરલાઈન્સ કે સત્તાવાળાઓ સાથે શેર કરી ન હતી, જેના કારણે ફેબ્રુઆરીમાં ફ્લાયદુબઈએ બેકગ્રાઉન્ડ ચેક કર્યા વિના જ તેની ભરતી કરી લીધી હતી.
30 સપ્ટેમ્બરે ફ્લાયદુબઈની ફ્લાઈટ FZ1073 દરમિયાન આ કો-પાઈલટે કોકપિટમાં ઈમરજન્સી કુહાડી વડે ભારતીય મૂળના કેપ્ટન સ્મિત મચ્છાર પર હુમલો કરી પ્લેનનું નિયંત્રણ છીનવવાનો પ્રયાસ કર્યો હતો. આ ઝપાઝપીમાં વિમાન 30 સેકન્ડમાં 16,000 ફૂટ નીચે ફેંકાયું હતું. જોકે, ઈજાગ્રસ્ત કેપ્ટન સ્મિત મચ્છારે હિંમત દાખવી કોકપિટનો દરવાજો ખોલી નાખ્યો હતો અને મુસાફરો તથા ફ્લાઈટમાં મુસાફરી કરી રહેલા અન્ય ઓફ-ડ્યુટી પાઈલટોએ કો-પાઈલટને કાબૂમાં લઈ પ્લેનનું સાઉદી અરેબિયાના તબુક એરપોર્ટ પર સુરક્ષિત લેન્ડિંગ કરાવ્યું હતું.
આ ઘટના બાદ યુએસ વાઈસ પ્રેસિડેન્ટ જેડી વેન્સે એવિએશન સુરક્ષા અને પાઈલટોની સ્ક્રીનિંગ પ્રક્રિયા પર ગંભીર સવાલો ઉઠાવ્યા છે અને યુએસ એવિએશન પ્રોટોકોલ્સની સમીક્ષા કરવાની જાહેરાત કરી છે.




