હરમનપ્રીત કૌરનો કેપ્ટનશીપ છોડવાનો નિર્ણય, BCCI રિવ્યૂ મીટિંગમાં શું બન્યું?

ભારતીય મહિલા ક્રિકેટ ટીમ માટે મંગળવારનો દિવસ એક મોટા મોડ સમાન સાબિત થયો છે. ટીમના સફળ સુકાની હરમનપ્રીત કૌરે અચાનક જ ટેસ્ટ, વનડે અને T20I – ત્રણેય ફોર્મેટની કેપ્ટનશીપ છોડવાની જાહેરાત કરી દીધી છે. સોમવારે ગુવાહાટી ખાતે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) ના સચિવ દેવજીત સૈકિયાની અધ્યક્ષતામાં યોજાયેલી ખાસ રિવ્યૂ મીટિંગ બાદ આ ફેરફાર સામે આવ્યો છે. આ મીટિંગમાં હરમનપ્રીત કૌર, વાઇસ કેપ્ટન સ્મૃતિ મંધાના અને હેડ કોચ અમોલ મજુમદાર ઉપસ્થિત રહ્યા હતા.

BCCI ની રિવ્યૂ મીટિંગમાં શું ચર્ચા થઈ?

સૂત્રોના જણાવ્યા અનુસાર, 37 વર્ષીય હરમનપ્રીત કૌર પોતે તમામ ફોર્મેટમાં કેપ્ટનશીપ ચાલુ રાખવા માટે ઉત્સુક હતી. તેનું માનવું હતું કે ટીમને નેતૃત્વ આપવા માટે અનુભવની ખૂબ જરૂર છે. મીટિંગ દરમિયાન હરમનપ્રીતે સ્વીકાર્યું હતું કે T20I ફોર્મેટમાં તેનું તાજેતરનું બેટિંગ ફોર્મ સારું રહ્યું નથી, તેથી તે યુવા પેઢીને તક આપવા માટે આ ફોર્મેટની કપ્તાની છોડવા તૈયાર હતી. પરંતુ તે વનડે અને ટેસ્ટમાં કેપ્ટન તરીકે ચાલુ રહેવા માંગતી હતી. તેણે 2028 ના લોસ એન્જિલસ ઓલિમ્પિક્સ સુધી ભારતીય ટીમનું નેતૃત્વ કરવાની ઈચ્છા દર્શાવી હતી. પરંતુ selectors અને BCCI ભવિષ્યની જરૂરિયાતો અને નવા નેતૃત્વને ધ્યાનમાં રાખીને સંપૂર્ણ ફેરફારના પક્ષમાં હતા. બોર્ડ એશિયન ગેમ્સ 2026 પૂર્ણ થવાની રાહ જોઈ રહ્યું હતું, જે બાદ આ નિર્ણય લેવાયો.

સુવર્ણ સફર અને સિદ્ધિઓ

હરમનપ્રીતના નેતૃત્વમાં ભારતે તાજેતરમાં જ એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો તેમજ ગયા વર્ષે મહિલા ODI વર્લ્ડ કપ પણ પોતાના નામે કર્યો હતો. જોકે, મહિલા T20 વર્લ્ડ કપ 2026 માં ટીમ સેમિફાઇનલ સુધી પહોંચવામાં પણ નિષ્ફળ રહી હતી, ત્યારથી જ કેપ્ટનશીપમાં પરિવર્તનની માંગ ઊઠી રહી હતી. હરમનપ્રીત કૌરે ભારત માટે 5 ટેસ્ટ, 51 વનડે અને 155 T20I મેચોમાં કેપ્ટનશીપ કરી છે. હવે ટીમની કમાન સ્મૃતિ મંધાનાને સોંપાય તેવી પૂરી શક્યતા છે.

ઇન્સ્ટાગ્રામ પર ભાવુક પોસ્ટ

પોતાના રાજીનામા અંગે ઇન્સ્ટાગ્રામ પર ભાવુક સંદેશ શેર કરતા હરમનપ્રીતે લખ્યું, “હું આજે ભારતીય મહિલા ક્રિકેટ ટીમના ત્રણેય ફોર્મેટની કેપ્ટનશીપ પરથી હટી રહી છું. આ નિર્ણય સરળ નહોતો. આની સાથે વર્ષોની યાદો, લાગણીઓ, સમર્પણ અને અગણિત ક્ષણો જોડાયેલી છે. મને લાગે છે કે મેં મારી જવાબદારી પૂર્ણ કરી છે. મેં આ ટીમને મારું સર્વસ્વ આપ્યું છે. હવે મારા માટે એક નવો અધ્યાય શરૂ કરવાનો સમય છે. કેપ્ટનશીપ આજે પૂરી થઈ શકે છે, પરંતુ ભારતીય ક્રિકેટ પ્રત્યેનો મારો પ્રેમ ક્યારેય ઓછો નહીં થાય. હવે હું માત્ર રમત પ્રત્યેના પ્રેમને કારણે રમવા માટે તૈયાર છું. કેપ્ટનશીપનો અંત આવ્યો છે, સફર ચાલુ છે.”

હરમનપ્રીતે 2016 માં T20I ટીમની કપ્તાની સંભાળી હતી. ત્યારબાદ 2022 માં તેને વનડે અને 2023 માં ત્રણેય ફોર્મેટની કમાન સોંપવામાં આવી હતી. કેપ્ટનશીપ છોડ્યા બાદ પણ તે એક ખેલાડી તરીકે ભારતીય ક્રિકેટ સાથે જોડાયેલી રહેશે.