પટનામાં ભરતીને લઈને ઉમેદવારોનું પ્રદર્શનઃ પોલીસે કર્યો લાઠીચાર્જ

પટનાઃ પટનામાં પોલીસ ભરતીને લઈને ઉમેદવારો પ્રદર્શન કરી રહ્યા છે. મોટી સંખ્યામાં ઉમેદવારો એકઠા થયા છે અને CM નિવાસનો ઘેરાવ કરવાના પ્રયાસ કરી રહ્યા હતા. ઉમેદવારો તિરંગો હાથમાં લઈને વિરોધ પ્રદર્શન માટે રસ્તા પર ઊતર્યા હતા. પ્રદર્શન કરી રહેલા ઉમેદવારો બેરિકેડિંગ તોડી આગળ વધી ગયા હતા. પોલીસે પ્રદર્શનકારીઓ પર લાઠીચાર્જ કર્યો હતો. એ સાથે જ CM નિવાસની સુરક્ષા પણ વધારી દેવામાં આવી છે.

ઉમેદવારો BPSSC અને સેન્ટ્રલ કોન્સ્ટેબલ સિલેક્શન બોર્ડ (CSBC)ની પરીક્ષામાં પારદર્શિતા સહિત પોતાની માગોને લઈને પટનામાં વિરોધ કરી રહ્યા હતા.

TRE-3નાં પૂરક પરિણામ જાહેર કરવા પણ પ્રદર્શન

આ પહેલાં તાજેતરમાં બિહારમાં શિક્ષક ભરતી પરીક્ષા (TRE-3)નાં પૂરક પરિણામ જાહેર કરવાની માગ સાથે પણ ઉમેદવારોએ ધરણાં-પ્રદર્શન કર્યું હતું, જેને હટાવવા માટે પોલીસે લાઠીચાર્જ કર્યો હતો. ત્યાર બાદ થોડા સમય માટે ભાજપ  કચેરીની બહાર અફરાતફરી મચી ગઈ હતી. લાઠીચાર્જ અંગે પટનાની એસપી દિક્ષા એ જણાવ્યું હતું કે સુરક્ષા કર્મચારીઓએ પ્રદર્શનકારીઓને વિસ્તાર ખાલી કરવાની વિનંતી કરી હતી. પ્રદર્શનને કારણે ટ્રાફિક અવરોધાયો હતો. જ્યારે પ્રદર્શનકારીઓ હટવા તૈયાર નહોતા ત્યારે પોલીસે તેમને વિખેરી નાખવા લાઠીચાર્જ કર્યો હતો.

પ્રદર્શનકારીઓએ દાવો કર્યો હતો કે લાઠીચાર્જને કારણે ઘણા ઉમેદવારો ઘાયલ થયા છે, પરંતુ અધિકારીઓએ તેનું ખંડન કર્યો હતો. પ્રદર્શન કરતા પટનાના અમનકુમારે જણાવ્યું હતું, શિક્ષણ વિભાગના અધિકારીઓએ અમને આશ્વાસન આપ્યું હતું કે આ મુદ્દે BPSSCને એક પત્ર મોકલાયો છે, પરંતુ અત્યાર સુધી કશું થયું નથી.

માહિતી અનુસાર BPSSCએ માર્ચ 2024માં TRE-3 પરીક્ષા યોજી હતી અને કુલ 87,774 જગ્યાઓની જાહેરાત કરવામાં આવી હતી. જોકે અત્યાર સુધી અંદાજે 51,000 ઉમેદવારોને જ નિમણૂક પત્ર મળ્યા છે. કુમારે દાવો કર્યો હતો કે અધિકારીઓએ પહેલા પૂરક પરિણામ આપવાનો વાયદો કર્યો હતો, પરંતુ અત્યાર સુધી કશું થયું નથી.