મુંબઈ: રતન ટાટાને ભારત રત્ન આપવાની માગ, અંતિમ દર્શન માટે ઉમટી ભીડ

પ્રખ્યાત ઉદ્યોગપતિ અને ટાટા ગ્રુપના માનદ અધ્યક્ષ રતન ટાટાને ‘ભારત રત્ન’ આપવાની માંગ કરવામાં આવી છે. મહારાષ્ટ્ર કેબિનેટમાં આ અંગેનો ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો. મહારાષ્ટ્ર કેબિનેટની બેઠકમાં એવો નિર્ણય લેવામાં આવ્યો હતો કે ઉદ્યોગપતિ રતન ટાટાના નામનો ભારત રત્ન એવોર્ડ માટે પ્રસ્તાવિત કરીને કેન્દ્ર સરકારને મોકલવામાં આવે. મહારાષ્ટ્ર કેબિનેટના આ પ્રસ્તાવ પર હવે અંતિમ નિર્ણય કેન્દ્ર સરકાર લેશે.

મહારાષ્ટ્ર કેબિનેટની બેઠકમાં રતન ટાટાના નિધન પર શોક ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો. આ પછી ભારત રત્ન એવોર્ડ માટે તેમનું નામ પ્રસ્તાવિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો. મહારાષ્ટ્ર સરકાર હવે આ પ્રસ્તાવ કેન્દ્ર સરકારને મોકલશે.

પીઢ ઉદ્યોગપતિ રતન એન ટાટાના પાર્થિવ દેહને એનસીપીએમાં લાવવામાં આવ્યો હતો, જ્યાં લોકો અંતિમ શ્રદ્ધાંજલિ આપવા માટે એકઠા થયા હતા. મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ અને એનસીપીના વડા અજિત પવાર અને એનસીપીના કાર્યકારી પ્રમુખ પ્રફુલ્લ પટેલ રતન ટાટાને અંતિમ શ્રદ્ધાંજલિ આપવા માટે એનસીપીએ લૉન પહોંચ્યા હતા.


તેમજ એનસીપી-એસપીના વડા શરદ પવાર અને તેમની પુત્રી સુપ્રિયા સુલે રતન ટાટાને અંતિમ શ્રદ્ધાંજલિ આપવા માટે એનસીપીએ ગ્રાઉન્ડ પહોંચ્યા હતા. આદિત્ય બિરલા ગ્રુપના ચેરમેન કુમાર મંગલમ બિરલા પણ દિગ્ગજ ઉદ્યોગપતિ રતન ટાટાને શ્રદ્ધાંજલિ આપવા પહોંચ્યા હતા. મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ કહ્યું છે કે ટાટાના અંતિમ સંસ્કાર સંપૂર્ણ રાજ્ય સન્માન સાથે કરવામાં આવશે.