દિલ્હી: વિધાનસભા ચૂંટણીમાં 27 વર્ષે બમ્પર બહુમતી સાથે ભાજપે ઐતિહાસિક વાપસી કરી રહ્યું છે. 1993માં જ્યારે પહેલીવાર ચૂંટણી થઈ ત્યારે રામમંદિર આંદોલનની લહેરમાં ભાજપે એકતરફી જીત મેળવી હતી. જો કે પાંચ વર્ષના કાર્યકાળમાં સ્થિતિ એવી હતી કે પાર્ટીને ત્રણ વખત મુખ્યમંત્રી બદલવા પડ્યા હતા. ત્યાર બાદ વર્ષ 1998માં ચૂંટણી થઈ ત્યારે કોંગ્રેસે ભાજપ પાસેથી સત્તા છીનવી લીધી. કોંગ્રેસ સતત ત્રણ વખત દિલ્હીમાં સત્તા પર આવ્યું અને હવે આમ આદમી પાર્ટી છેલ્લા ત્રણ વખતથી સત્તામાં હતું.
ભાજપનો 27 વર્ષનો વનવાસ પૂરો થયો
આ વખતે ભાજપનો 27 વર્ષનો વનવાસ પૂરો થઈ રહ્યો છે અને ભાજપ ફરીથી દિલ્હી પર શાસન કરવાની તક મળશે. જયારે કોંગ્રેસ પણ સત્તામાં આવવામાં સખત પ્રયાસ કર્યો. તેમજ આમ આદમી પાર્ટી પણ સતત ચોથી વખત સરકારમાં આવવાનો રેકોર્ડ બનાવવાનો પ્રયાસ કર્યો. દિલ્હીના ઇતિહાસમાં કોંગ્રેસના શીલા દીક્ષિત સૌથી લાંબા સમય સુધી એટલે કે 15 વર્ષ સુધી દિલ્હીના મુખ્યમંત્રી તરીકે સેવા આપવાનો રેકોર્ડ ધરાવે છે. તે પછી બીજા નંબર પર અરવિંદ કેજરીવાલ છે. તેઓ લગભગ 11 વર્ષ સુધી મુખ્યમંત્રી રહ્યા.
દિલ્હીમાં છેલ્લી બે વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીનો પ્રચંડ વિજય થયો હતો. 2015માં આમ આદમી પાર્ટીએ 70માંથી 67 બેઠકો જીતી હતી. 2020ની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને 62 બેઠકો પર જીત હાંસલ થઈ હતી, જ્યારે ભાજપના ખાતામાં માત્ર આઠ બેઠકો ગઈ હતી. છેલ્લી બંને વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસને 70માંથી એક પણ બેઠક પર સફળતા મળી નથી.
દિલ્હીમાં 1993માં પહેલીવાર થઈ ચૂંટણી
દિલ્હી વિધાનસભાના ગઠન બાદ 1993માં પહેલીવાર ચૂંટણી યોજાઈ હતી જેમાં ભારતીય જનતા પાર્ટીને પ્રચંડ જીત મળી હતી. જોકે પાંચ વર્ષમાં ભાજપને ત્રણ વખત મુખ્યમંત્રી બદલવા પડ્યા. મદનલાલ ખુરાનાએ કૌભાંડના આરોપમાં ખુરશી ગુમાવી, સાહિબ સિંહ વર્માએ મોંઘવારીના કારણે રાજીનામું આપ્યું જ્યારે સુષ્મા સ્વરાજ માત્ર બે જ મહિના મુખ્યમંત્રી રહી શક્યા.49 દિવસની સરકાર
1998ની ચૂંટણીમાં કોંગ્રેસનો વિજય થયો અને શીલા દીક્ષિતને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા. 1998થી 2013 સુધી શીલા દીક્ષિત જ દિલ્હીના મુખ્યમંત્રી રહ્યા. જોકે 2013ની ચૂંટણીમાં 70માંથી 32 બેઠકો સાથે ભાજપ સૌથી મોટો પક્ષ બન્યો પણ બહુમતી ન મળી. એવામાં 28 બેઠકો સાથે આમ આદમી પાર્ટીએ સાત બેઠકો ધરાવતી કોંગ્રેસના ટેકા સાથે સરકાર બનાવી.
આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના ગઠબંધનની સરકાર માત્ર 49 દિવસ જ ચાલી શકી હતી. કેજરીવાલના રાજીનામા બાદ દિલ્હીમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ થયું અને 2015માં ફરી ચૂંટણી યોજાઈ હતી.
![](https://chitralekha.com/chitralemag/wp-content/themes/Newspaper/images/whatsapp-channel-follow.png)