ઐતિહાસિક ડાંગ દરબારની ભાતીગળ મેળા સાથે દબદબાભેર શરૂઆત

આહવા: આદિવાસીઓના મુખ્ય તહેવાર હોળી પૂર્વે યોજાતા ડાંગ દરબારની આજે દબદબાભેર શરૂઆત થઈ છે. લોકસભાની ચૂંટણી માટેની આચાર સંહિતાને અનુલક્ષીને સાદગીપૂર્ણ માહોલ વચ્ચે યોજાયેલા ડાંગ દરબારના ઉદ્ઘાટન કાર્યક્રમ પૂર્વે ડાંગ જિલ્લાની ઐતિહાસિક પ્રણાલી અનુસાર ડાંગના માજી રાજવીઓની જિલ્લા સેવા સદન ખાતેથી નીકળેલી ભવ્ય શોભાયાત્રા નગરના મુખ્ય માર્ગો પર ફરી હતી.

શણગારેલી બગીઓમા નીકળેલી રાજવીઓની સવારી દરમિયાન, તેમણે પ્રજાજનોનુ અભિવાદન ઝીલ્યુ હતુ. જુદાં-જુદાં પ્રદેશોમાંથી આવેલ કલાકારો દ્વારા સાંસ્કૃતિક નૃત્ય રજૂ કરવામાં આવ્યું હતું. સાથે જ સ્થાનિક આદિવાસી ડાંગી નૃત્ય મંડળીઓ દ્વારા રજૂ કરાયેલ ઝાંખીએ લોકોનું મનોરંજન કર્યું હતું.

સાદગીપૂર્ણ જીવનશૈલી ધરાવતા ડાંગ જિલ્લાના રાજવીઓની પરંપરા અને તેની ગરિમાપૂર્ણ ઉજવણીનો ઉલ્લેખ કરીને, ડાંગ દરબારના આ ઐતિહાસિક લોકમેળાનું ઉદ્ઘાટન કરાયું. રાજવીઓને સ્વર્ણમુદ્રા સહિત પરંપરાગત પાન-સોપારી, શાલ અને સ્મૃતિભેટ અર્પણ કરાઈ હતી. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સ્થાનિક આદિવાસી ભાઈ-બહેનો ઉપરાંત વહીવટી તંત્રના લોકો ઉપસ્થિત રહ્યા હતા. મેળાને માણવા માટે મોટી સંખ્યમાં લોકોની ભીડ ઉમટી પડી હતી.

કાર્યક્રમમાં રજૂ કરવામાં આવેલા ભાતીગળ પરંપરાગત નૃત્યોએ અહીં હાજર દરેક વ્યક્તિનું મન મોહી લીધું હતુ.

અરવિંદ ગોંડલિયા (સુરત)