સાયબર ફ્રોડ: નોકરીની લાલચ આપી ઠગોએ 29 લાખની કરી છેતરપિંડી

પુણેઃ સાયબર અપરાધીઓએ હિંજેવાડીની એક પ્રતિષ્ઠિત સોફ્ટવેર કંપનીમાં નોકરી અપાવવાની લાલચ આપી થેરગાંવના 27 વર્ષના સોફ્ટવેર એન્જિનિયર પાસેથી રૂ. 29 લાખની છેતરપિંડી કરી છે. ગયા વર્ષે મેથી ઓક્ટોબર દરમિયાન અલગ-અલગ બહાનાં બનાવીને આરોપીઓએ પૈસા વસૂલ્યા, પરંતુ નોકરી અપાવી નહીં. પીડિતે સાયબર પોલીસમાં ઓનલાઈન ફરિયાદ નોંધાવી હતી, ત્યાર બાદ ગુરુવારે વાકડ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધાયો છે.

વાકડ પોલીસ સ્ટેશનના એક અધિકારીએ જણાવ્યું કે પીડિત હાલ એક સોફ્ટવેર કંપનીમાં કામ કરે છે. નોકરી બદલવા માટે તેણે વિવિધ વેબસાઇટ્સ પર પોતાનો રિઝ્યુમ મૂક્યો હતો. અધિકારીએ જણાવ્યું હતું કે ગયા વર્ષે મે મહિનામાં એક અજાણી વ્યક્તિએ તેની સાથે સંપર્ક કર્યો અને હિંજેવાડીની એક મોટી આઈટી કંપનીમાં સિનિયર સોફ્ટવેર એન્જિનિયરની નોકરીની ઓફર આપી હતી.તેમણે જણાવ્યું કે આરોપીએ પછી અલગ-અલગ બહાનાં બનાવીને તેની પાસેથી પૈસા માગવાનું શરૂ કર્યું. પહેલાં સભ્યતા ફી તરીકે પૈસા લીધા. પછી ખાતું ખોલવા, ઇન્કમ ટેક્સ માટે F-16 ફોર્મ ભરવા, કિટ એક્ટિવેશન, ખાતું બંધ કરવા, ડિલિવરી પ્રક્રિયા અને કંપનીની સિક્યોરિટી પ્રક્રિયા જેવાં બહાનાંઓ હેઠળ પૈસા ટ્રાન્સફર કરાવ્યા હતા.

અધિકારીએ માહિતી આપતાં જણાવ્યું કે ટેક્નિશિયને ગયા વર્ષે ઓક્ટોબર સુધીમાં આરોપીએ આપેલા વિવિધ બેંક ખાતાં નંબરોમાં કુલ રૂ. 29.16 લાખ ટ્રાન્સફર કર્યા હતા. અધિકારીએ કહ્યું હતું કે જ્યારે તેને નોકરી મળી નહીં, ત્યારે ટેક્નિશિયને પોતાના પૈસા પાછા મેળવવા માટે આરોપીનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો. આરોપીએ ફોન લેવાનું બંધ કરતા તેને સમજાયું કે તેની સાથે છેતરપિંડી થઈ છે.

તેમણે જણાવ્યું કે પોલીસે ટેક્નિશિયનની બેંક પાસેથી લેણદેણની વિગતો મગાવી છે. તેમણે ઉમેર્યું હતું અમારી તપાસ ચાલુ છે.