બેંગલુરુઃ કર્ણાટકમાંથી એક ભૂતપૂર્વ કલાર્કે માત્ર રૂ. 15,000 પગાર હોવા છતાં રૂ. 30 કરોડની સંપત્તિ એકઠી કરી લીધી હતી. લોકાયુક્તને તપાસ દરમિયાન 24 મકાન, છ પ્લોટ, 1 કિલોગ્રામથી વધુ સોનાની દાગીના, 40 એકરથી વધુ ખેતી લાયક જમીન, અનેક વાહનો અને મહત્વપૂર્ણ દસ્તાવેજો મળ્યા છે. તેના દરોડામાં એવો પણ ખુલાસો થયો છે કે કલાર્કે જે મિલકતો બનાવી હતી તે કેટલીક તેની પત્ની અને ભાઈને નામે રજિસ્ટર હતી.
આ વાત પરથી અંદાજ લગાવી શકાય છે કે સરકારી વિભાગોમાં કેટલો ભ્રષ્ટાચાર ફેલાયેલો છે. હકીકતમાં ભૂતપૂર્વ કલાર્કનું નામ કલાકપ્પા નિદાગુંડી છે અને તે કર્ણાટક રૂરલ ઇન્ફ્રા ડેવલપેન્ટ લિ. (KRIDL)માં કામ કરતો હતો. જ્યારે લોકાયુક્તના અધિકારીઓએ તેના ઘરમાં દરોડા પાડ્યા ત્યારે આ અઢળક મિલકતનો પર્દાફાશ થયો.
છેતરપિંડીનો કેસ
KRIDLના MD બસવરાજુના આદેશ પર એક્ઝિક્યુટિવ એન્જિનિયર અનિલ પાટીલ અને આનંદ કરલાકુંતીએ પૂર્વ એન્જિનિયર ઝારનપ્પા એમ. ચિંચોલિકર અને કલાકપ્પા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદને આધારે લોકાયુક્ત અધિકારીઓએ રૂ. 72 કરોડના કૌભાંડના કેસમાં દરોડા પાડ્યા હતા.
શું છે આરોપો?
આ કેસમાં આરોપ છે કે આરોપીઓએ કોપ્પલ જિલ્લામાં વર્ષ 2019થી 2025 વચ્ચે અનેક ગામોમાં સીવરેજ, રસ્તા અને પીણાના પાણીના 96 પ્રોજેક્ટ્સમાં દસ્તાવેજો અને બિલોમાં ભારે છેતરપિંડી આચરવામાં આવી હતી. આ પ્રોજેક્ટ્સમાં કનકગિરીમાં 19, ગંગાવતીમાં 5, યેલબુરગામાં 4 અને કોપ્પલ તાલુકામાં 68 પ્રોજેક્ટ્સનો સમાવેશ થાય છે.
કલાકપ્પાને થોડા મહિના પહેલા નોકરીમાંથી બરખાસ્ત કરવામાં આવ્યો હતો, જ્યારે ચિંચોલિકર બરખાસ્ત થયા બાદ અદાલતના આદેશ પર પુનઃ નોકરી પર રાખવામાં આવ્યા હતા. કોપ્પલના ધારાસભ્ય કે. રાઘવેન્દ્ર હિત્નાલે આ ભ્રષ્ટાચારની પુષ્ટિ કરી છે અને કહ્યું છે કે સરકાર તપાસ કરશે અને દોષિતો સામે કડક કાર્યવાહી કરશે.
