નવી દિલ્હીઃ ચીનની ઈ-કોમર્સ કંપની અલી એક્સપ્રેસે (AliExpress)એ બેશરમીની હદ પાર કરતાં હિંદૂ ધર્મ અને કરોડો ભક્તોની શ્રદ્ધાને ઠેસ પહોંચાડી છે. કંપનીએ તેના ઈ-કોમર્સ પ્લેટફોર્મ પર ભગવાન જગન્નાથની તસવીરવાળું ડોરમેટ વેચવાનું શરૂ કર્યું છે, જેને લઈને ભારત, ખાસ કરીને ઓડિશાના લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સોશિયલ મિડિયા પર પણ લોકો કંપનીનો ભારે વિરોધ કરી રહ્યા છે.
આ આશ્ચર્યજનક ઘટના ત્યારે સામે આવી જ્યારે લોકોએ કંપનીની વેબસાઈટ પર ભગવાન જગન્નાથનો ચહેરો ડોરમેટ (પગ લુછણિયા) પર છપાયેલો જોયો. આ પ્રોડક્ટની જાહેરાતમાં એક વ્યક્તિને તેના પર પગ લૂછતો દર્શાવવામાં આવ્યો છે. આ ઉપરાંત આ ડોરમેટના વર્ણન (ડિસ્ક્રિપ્શન)માં તેને “ભેજ શોષી લેતો” અને “લપસતા અટકાવતો” તરીકે રજૂ કરવામાં આવ્યો છે, જેના કારણે ભક્તોમાં ભારે ગુસ્સો ફાટી નીકળ્યો છે. લોકોનું કહેવું છે કે આ જાણબૂજીને લાગણીઓને નુકસાન પહોંચાડવાનું કૃત્ય છે.
શ્રી જગન્નાથ મંદિર વ્યવસ્થાપન સમિતિના પૂર્વ સભ્ય માધવ પૂજાપાંડાએ આ ઘટનાની તીવ્ર નિંદા કરતાં કહ્યું છે કે આ અમારી શ્રદ્ધા પર સીધો હુમલો છે. તેમણે માગ કરી છે કે મંદિર વહીવટી તંત્ર ઉપરાંત રાજ્ય અને કેન્દ્ર સરકાર તરત જ આ મામલે કડક પગલાં લે. તેમનું કહેવું છે કે આ માત્ર એક પ્રોડક્ટની વાત નથી. મહાપ્રસાદ અને પતિતપાવન બાણા જેવા પવિત્ર શબ્દોનો પણ વારંવાર ખોટી રીતે ઉપયોગ કરવામાં આવ્યો છે. મંદિરની પવિત્ર ઓળખની રક્ષા માટે કોપિરાઇટ કાયદાઓને કડક રીતે લાગુ કરવું જરૂરી છે.
#BoycottAliExpressની માગ
આ ઘટનાને પગલે સોશિયલ મિડિયા પર #RespectJagannath અને #BoycottAliExpress જેવા હેશટેગ સાથે લોકોએ વિરોધ દર્શાવવાનું શરૂ કરી દીધું છે. લોકો ભારે ગુસ્સામાં છે અને કંપનીને માફી માગવાની તેમ જ આ પ્રોડક્ટને તરત જ હટાવવાની માગ કરી રહ્યા છે. તેમનું કહેવું છે કે ભગવાન જગન્નાથ માત્ર દેવતા નથી, પણ ઓડિયા સંસ્કૃતિ અને ઓળખનું પ્રતીક છે, જેમનું આ પ્રકારનું અપમાન સહન નહીં કરાય.
