કોટાઃ રાજસ્થાનના કોટા શહેરમાં શિક્ષક ભરતી પરીક્ષા (REET Mains 2025)માં એક પરીક્ષા કેન્દ્ર પર હિજાબને કારણે એક ઉમેદવારને રોકી દેવાનો મામલો સામે આવ્યો છે. અલીશા નામની વિદ્યાર્થિનીને કોટાના એક પરીક્ષા કેન્દ્ર પર હિજાબ પહેરીને પરીક્ષા આપવા દેવામાં આવી નહોતી. ત્યાર બાદ વિદ્યાર્થિનીનો એક વિડિયો સોશિયલ મિડિયા પર વાયરલ થયો, જેમાં આરોપ લગાવવામાં આવ્યો કે પરીક્ષાની માર્ગદર્શિકામાં હિજાબ પર ક્યાંય પ્રતિબંધ નથી, છતાં પણ તેને રોકીને ભેદભાવ કરવામાં આવ્યો. જોકે પ્રશાસને આ મામલે સ્પષ્ટતા કરી છે અને જણાવ્યું છે કે વિદ્યાર્થિનીને નિયમો મુજબ જ રોકવામાં આવી હતી.
વિદ્યાર્થિની અલીશાએ શું આરોપ લગાવ્યા?
રાજસ્થાનના બુંદી જિલ્લાના સાવતગઢ, હિંડોલી વિસ્તારની રહેવાસી અલીશા રવિવાર, 18 જાન્યુઆરીએ પોતાના પિતાની સાથે REET પરીક્ષા આપવા કોટા ગઈ હતી. તેનું પરીક્ષા કેન્દ્ર મહાવીર નગર એક્સ્ટેન્શન સ્થિત તિલક સ્કૂલમાં હતું. તેની પરીક્ષા બપોરે ત્રણ વાગ્યાથી સાંજે 5:30 વાગ્યા સુધી હતી. તે સમય પહેલાં જ કેન્દ્ર પર પહોંચી ગઈ હતી, પરંતુ ત્યાં હિજાબ પહેરીને પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ કરવા બાબતે વિવાદ ઊભો થયો હતો.
વિદ્યાર્થિનીએ વાતચીતમાં જણાવ્યું હતું કે પરીક્ષા કેન્દ્ર પર હાજર મહિલા સુરક્ષા કર્મચારીઓએ તેની સંપૂર્ણ તપાસ કરી હતી અને હિજાબ ખોલીને પણ ચકાસણી કરવામાં આવી હતી. છતાં પણ સ્કૂલની સુપરિન્ટેન્ડન્ટે તેને અંદર જતાં અટકાવી દીધી હતી. અલીશાએ કહ્યું હતું કે મને હિજાબ ઉતારવા કહેવામાં આવ્યું, પરંતુ એટલા બધા વિદ્યાર્થીઓ સામે માથું ખુલ્લું રાખીને પરીક્ષા આપવી મારા માટે અપમાનજનક હતું. આ માત્ર એક પરીક્ષા નહીં, મારા માન-સન્માન અને આત્મસન્માનનો પ્રશ્ન હતો. અલીશાએ આ ઘટનાને બોર્ડના નિયમો કરતાં પરીક્ષા કેન્દ્ર પર હાજર અધિકારીઓની મનમાની ગણાવી છે.
પ્રશાસન શું કહે છે?
આ ઘટનાને લઈને કોટાના એડીએમ વીરેન્દ્ર યાદવે કહ્યું હતું કે જ્યારે મેં કેન્દ્રના સુપરિન્ટેન્ડન્ટ પાસેથી માહિતી લીધી, ત્યારે તેમણે જણાવ્યું કે વિદ્યાર્થીની હિજાબ પહેરીને આવી હતી. પરંતુ કર્મચારી પસંદગી પંચની માર્ગદર્શિકા મુજબ એવા સ્કાર્ફ, જેનાથી કાન અને માથું ઢંકાય છે, તેને પહેરીને પરીક્ષા આપવા મંજૂરી નથી. આ કારણે તેને સમજાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો, પરંતુ તે તૈયાર થઈ નહીં અને પરીક્ષા આપ્યા વગર જ પાછી ચાલી ગઈ.


