સિદ્ધારમૈયા સરકાર પર બમણા કમિશન મુદ્દે કોન્ટ્રેક્ટરોએ પાડી પસ્તાળ

બેંગલુરુઃ કર્ણાટકમાં સરકાર કોઈ પણ પાર્ટીની રહી હોય, કોન્ટ્રેક્ટરની મુશ્કેલીઓ કદી ઓછી થઈ નથી. રસ્તાઓ તૂટેલા રહે છે, પ્રોજેક્ટ અધૂરા અટવાઈ જાય છે અને ઉપરથી લાંચનો બોજ જુદો. હવે કોગ્રેસ સરકાર વિરુદ્ધ પણ એ જ અવાજો ઊઠી રહ્યા છે, જે પહેલાં ભાજપના સમયમાં ગુંજતા હતા.

ભાજપ પ્રાંત અધ્યક્ષ બી.વાય. વિજયેન્દ્રએ સોશિયલ મિડિયા પ્લેટફોર્મ X પર લખ્યું હતું કે રાજ્યમાં એવી સિસ્ટમ ચાલે છે જ્યાં કોન્ટ્રેક્ટરને દરેક બિલ પાસ કરાવવા માટે અડધી કોન્ટ્રેક્ટ રકમ લાંચમાં આપવી પડે છે. તેમણે ટિપ્પણી કરતાં કહ્યું હતું કે વિકાસને નામે મળતા દરેક રૂ. 100માંથી રૂ. 50 મંત્રી અને અધિકારીઓ પોતાની ખિસ્સામાં મૂકી લે છે. 

કોન્ટ્રેક્ટરોના સંગઠને લખ્યો CMને પત્ર

વિજયેન્દ્રના આરોપોથી પહેલાં કર્ણાટક સ્ટેટ કોન્ટ્રેક્ટર્સ એસોસિયેશન (KSCA)એ CM સિદ્ધારમૈયાને પત્ર લખી ફરિયાદ કરી હતી કે કોંગ્રેસ સરકારમાં કમિશન બમણું થઈ ગયું છે.

એસોસિયેશને કહ્યું હતું કે જ્યારે સિદ્ધારમૈયા વિપક્ષમાં હતા, ત્યારે તેમણે વચન આપ્યું હતું કે કોંગ્રેસ સરકાર બન્યા પછી કોઈ પણ પ્રકારનું કમિશન નહીં લેવામાં આવે. એસોસિયેશનના અધ્યક્ષ આર. મંજુનાથ અને મહાસચિવ જી.એમ. રવીન્દ્રએ લખ્યું હતું કે જ્યારે તમે વિપક્ષમાં હતા, ત્યારે અમને વિશ્વાસ અપાવ્યો હતો કે સરકારમાં આવ્યા પછી કોન્ટ્રેક્ટર્સનાં બાકી ચુકવણાં કોઈ પણ કમિશન વગર કરી દેવામાં આવશે. પરંતુ હવે હાલત એવી છે કે પાછલી સરકારની સરખામણીએ તમામ વિભાગોમાં કમિશનની રકમ બમણી થઈ ગઈ છે.

કોન્ટ્રેક્ટરોનું કહેવું છે કે લગભગ રૂ. 32,000 કરોડનાં ચુકવણાં લાંબા સમયથી અટકેલા છે. આઠ વિભાગોમાં બે-બે વર્ષથી બિલ ક્લિયર થયા નથી. જે થોડીક રકમ મળે છે, તે પણ ફક્ત 15-20 ટકા હોય છે અને ત્યારે જ મળે છે જ્યારે ભારે લાંચ આપવામાં આવે.

તેમણે આગળ આક્ષેપ કર્યો કે 2017-18થી 2020-21 સુધીનો વધારાનો GSTની રકમ હજુ સુધી પરત કરવામાં આવી નથી. ખનન વિભાગ પર પણ કોન્ટ્રેક્ટરોએ સવાલ ઉઠાવ્યા છે કે નાની કાગદીની ખામી પર વાહનો પર એવાં દંડ ફટકારવામાં આવે છે જે રોયલ્ટી કરતાં પાંચ ગણો વધારે હોય છે.