નવી દિલ્હીઃ રાજ્યસભામાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવની ચર્ચાનો જવાબ આપ્યો હતો. તેમણે સંસદમાં ભારતની ઉપલબ્ધિઓ ગણી બતાવી, જ્યારે બીજી તરફ વિરોધ પક્ષે વોકઆઉટ કર્યું હતું. તેમણે ભાષણ શરૂ કરતાં જ વિરોધ પક્ષના સાંસદોએ હોબાળો કર્યો, છતાં પીએમ મોદીએ સતત બોલવાનું ચાલુ રાખ્યું. આ દરમિયાન તેમણે કોંગ્રેસ પર આકરા પ્રહાર કરતાં કહ્યું હતું કે અગાઉની સરકારો પાસે ન તો વિચાર હતો, ન વિઝન અને ન ઇચ્છાશક્તિ.
લોકસભામાં પણ ભારે હોબાળા વચ્ચે રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો. વિરોધ પક્ષના સતત શોરશરાબા અને નારેબાજી છતાં સંસદે બંધારણીય પ્રક્રિયા પૂર્ણ કરી અને ચર્ચા સમાપ્ત કરીને બહુમતીથી આભાર પ્રસ્તાવને મંજૂરી આપી હતી. આ સાથે લોકસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ સંબંધિત ઔપચારિક પ્રક્રિયા પૂર્ણ થઈ છે.
TMC પર PMનું નિશાન
તેમણે કહ્યું હતું કે TMCના નેતાઓએ પોતાના ગૌરવ વિશે વિચારવું જોઈએ. તેમની નિર્મમ સરકાર નવા-નવા રેકોર્ડ બનાવી રહી છે અને અહીં ઉપદેશ આપે છે. આવી સરકારને કારણે ત્યાંના લોકોનું ભવિષ્ય જોખમમાં છે. ઘૂસણખોરી મુદ્દે તેમણે કહ્યું હતું કે દુનિયાના સમૃદ્ધ દેશો પણ ગેરકાયદે નાગરિકોને બહાર કાઢી રહ્યા છે, જ્યારે અહીં ઘૂસણખોરોને બચાવવા પ્રયાસ થઈ રહ્યો છે. ઘૂસણખોરો દેશના નાગરિકોના હકો છીનવી રહ્યા છે.
Speaking in the Rajya Sabha. https://t.co/MelS1S0NF2
— Narendra Modi (@narendramodi) February 5, 2026
કોંગ્રેસના મનમાં શીખો માટે નફરત ભરેલી છે – PM મોદી
રાહુલ ગાંધીએ રવનીત બિટ્ટુને “ગદ્દાર” કહીને તેમનું અપમાન કર્યું છે અને આ શીખ સમાજનું પણ અપમાન છે. તેમને આ બાબતે જરાય દુઃખ નથી, નહિતર તેઓ સંસદમાં માફી માગતા. તેમના મનમાં શીખો પ્રત્યે નફરત છે. જેના પરિવારે દેશ માટે શહાદત આપી, તે વ્યક્તિએ પોતાના રાજકીય વિચારો બદલ્યા તો તેઓ ગદ્દાર બની ગયા — આ ખૂબ દુર્ભાગ્યપૂર્ણ છે.
કોંગ્રેસે બંધારણનું અપમાન કર્યું છે – PM
ચૂંટણી બાદ રાષ્ટ્રપતિજી વિશે જે શબ્દો વપરાયા તે આશ્ચર્યજનક છે. કોઈ રાષ્ટ્રપતિ વિશે આવા શબ્દો કેવી રીતે બોલી શકે? ગરીબીમાંથી નીકળેલી અને આદિવાસી પરિવારમાંથી આવેલી મહિલાને બોલવા ન દેવી — આ કોંગ્રેસનું વર્તન છે. કોંગ્રેસે લોકસભામાં બંધારણનું અપમાન કર્યું છે.
કોંગ્રેસ દેશવાસીઓને સમસ્યા માને છે – PM
તેમણે કહ્યું હતું કે હું આસામમાં ચૂંટણી છે એટલે નથી બોલતો, પરંતુ તેમનાં પાપો છે એટલે કહી રહ્યો છું. અમે અસામ અને અરુણાચલ પ્રદેશ વચ્ચેનો પૂલ પૂર્ણ કર્યો. અમલીકરણ કરવાની શક્તિ અમારી સરકારમાં બહુ વધારે છે. અમે આ વાત ડેટા સાથે કહી રહ્યા છીએ. સમસ્યાના ઉકેલ અંગે અમારી અને કોંગ્રેસની વિચારસરણીમાં મોટો ફરક છે. અમારી વિચારસરણી છે કે 140 કરોડ દેશવાસીઓ કંઈ પણ કરી શકે છે અને અમને તેમની ક્ષમતા પર વિશ્વાસ છે. જ્યારે કોંગ્રેસ દેશને સમસ્યા માને છે. નેહરુજીએ ઇરાનમાં 35 કરોડ દેશવાસીઓને સમસ્યા ગણાવ્યા હતા, આ વાત ઇંદિરાજીએ પણ સ્વીકારી હતી. પરંતુ મારું માનવું છે કે સમસ્યા કેટલી પણ મોટી હોય, અમારી પાસે 140 કરોડ ઉકેલ છે.
સરદાર પટેલનું સપનું અમે પૂર્ણ કર્યું – PM
તેમણે કહ્યું હતું કે મારો જન્મ પણ થયો નહોતો ત્યારે સરદાર પટેલે નર્મદા પર બંધ બનાવવાની કલ્પના કરી હતી. તેઓ રહ્યા નહોતા ત્યારે પંડિત નેહરુએ નર્મદા બંધનો પાયો રાખી. કામની ગતિ એવી હતી કે તેનું ઉદ્ઘાટન મને મુખ્ય મંત્રી બન્યા પછી કરવું પડ્યું. સીએમ તરીકે મને તેના માટે ત્રણ દિવસ સુધી અનશન પણ કરવું પડ્યું હતું.


