ક્યાં CM ભૂપેન્દ્ર પટેલે બે નવા ફોરલેન બ્રિજની આપી ભેટ?

ગાંધીનગર: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગોંડલ નગરમાં બે નવા ફોરલેન બ્રિજ નિર્માણ માટે ૫૬.૮૪ કરોડ રૂપિયા ફાળવવાની સૌદ્ધાંતિક મંજૂરી આપી છે. સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનામાં ફ્લાયઓવર બ્રિજ હેઠળ ગવર્નમેન્ટ હોસ્પિટલ ચોક પાસે રૂ. ૨૮.૮૨ કરોડના ખર્ચે તથા ગોંડલમાં પાંજરાપોળ પાસે રૂ. ૨૮.૦૨ કરોડના ખર્ચે   આ બે બ્રિજ નિર્માણ પામશે.

ગોંડલ શહેરમાં ગોંડલી નદી પર રાજાશાહી સમયના ૧૦૦ વર્ષથી વધુ સમયના બે બ્રિજ ઉપર ગોંડલ આસપાસના ગામો અને તાલુકાના વાહનોનો ખૂબ જ ટ્રાફિક રહેતો હતો. આ ૧૦૦ વર્ષ જૂના બ્રિજ ભારે વાહનો માટે બંધ કરવામાં આવતા તેના સ્થાને ડાયવર્ઝન માટે માત્ર ૧ જ માર્ગ નેશનલ હાઈવે ૨૭ ગોંડલથી સુરેશ્વર ચોકડી સુધીનો ઉપલબ્ધ છે. એટલું જ નહિ,ભારે વરસાદના સમયમાં વિયર કમ કોઝવે પરથી પાણી પસાર થતું હોવાથી આ રસ્તો પણ બંધ થઈ જાય છે અને તમામ વાહનચાલકોને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગોંડલની હાલની વસ્તી, આજુબાજુના ગામો તથા તાલુકા જિલ્લાના બાયપાસ તેમજ શહેરના ટ્રાફિક સાથોસાથ આવનારા વર્ષોના વિકાસને ધ્યાનમાં લઈને આ બે નવા બ્રિજ ફોરલેન બનાવવાના દિશા નિર્દેશો પણ આપ્યા છે.