UNSC બેઠકમાં ચીન અને અમેરિકા વચ્ચે કશ્મકશ

નવી દિલ્હીઃ સંયુક્ત રાષ્ટ્રમાં સોમવારે પનામા કેનાલને લઈને અમેરિકા અને ચીન વચ્ચે ખેંચતાણ જોવા મળી. અમેરિકાએ ચેતવણી આપી કે આ મહત્વપૂર્ણ જળમાર્ગ પર બીજિંગનો પ્રભાવ વૈશ્વિક વેપાર અને સુરક્ષા માટે જોખમ બની શકે છે, જ્યારે ચીને અમેરિકાના આક્ષેપોને કેનાલ પર કબજો જમાવવાનું બહાનું ગણાવ્યું હતું. આ અથડામણ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની બેઠકમાં જોવા મળી હતી.

આ મહિને પનામા પરિષદની બેઠકની અધ્યક્ષતા કરી રહ્યું છે. રાષ્ટ્રપતિ જોસ રાઉલ મુલિનોએ કેનાલની તટસ્થતા અને એટલાન્ટિક તથા પ્રશાંત મહાસાગરોને જોડતા આ જળમાર્ગ પર પોતાના દેશના માલિકી હક પર ભાર મૂક્યો હતો. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગયા વર્ષે નવેમ્બરમાં ચૂંટણી જીતતાં પહેલાં જ પનામાને ચર્ચામાં લાવી દીધું હતું. તેમણે સૂચન કર્યું હતું કે તેમના દેશે પનામા પરનો કંટ્રોલ પાછો લેવા પર વિચાર કરવો જોઈએ.

અમેરિકાએ ચીન પર નિશાન સાધ્યું

અમેરિકાએ 1990ના દાયકાની શરૂઆતમાં પોતાના કિનારાઓ વચ્ચે વેપારી અને સૈન્ય જહાજોની અવરજવર સુનિશ્ચિત કરવા માટે આ કેનાલનું નિર્માણ કર્યું હતું. 1977માં રાષ્ટ્રપતિ જિમી કાર્ટરે એક સંધિ પર સહી કરી હતી અને 1999માં આ જળમાર્ગનો કંટ્રોલ પનામાને સોંપવામાં આવ્યો હતો. કાર્યકારી અમેરિકી રાજદૂત ડોરોથી શિયાએ સંયુક્ત રાષ્ટ્ર પરિષદમાં કહ્યું હતું, કેનાલ વિસ્તારમાં ચીનનો પ્રભાવ માત્ર પનામા અને અમેરિકા માટે જ નહીં, પરંતુ વૈશ્વિક વેપાર અને સુરક્ષા માટે પણ સંભવિત જોખમ છે.

ચીને અમેરિકાને આપ્યો જવાબ

ચીનના સંયુક્ત રાષ્ટ્ર રાજદૂત ફૂ કાંગે પરિષદમાં આ બાબત પર ભાર મૂક્યો કે પનામાએ સતત અને અસરકારક રીતે કેનાલનું સંચાલન કર્યું છે. એટલું જ નહીં, શિપિંગ અને વેપારમાં પણ તેનો મહત્વપૂર્ણ ફાળો રહ્યો છે. તેમણે કહ્યું હતું કે ચીને હંમેશાં કેનાલની તટસ્થતાનો આદર કર્યો છે અને કેનાલ પર પોતાની સર્વભૌમત્વની રક્ષા કરવા તેમ જ તેના ખુલ્લાપણું અને કામગીરી જાળવી રાખવામાં પનામાને ટેકો કર્યો છે.